ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પર દેશભરની નજર મંડાયેલી છે. પહેલા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારની મુદત આજે સાંજે પાંચ વાગે પૂરી થશે. 10 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.
ભાજપ માટે અત્યંત પ્રતિષ્ઠાભરી કહેવાતી ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ આજે સવારે 10.30 વાગ્યે લોક કલ્યાણ સંકલ્પ પત્ર બહાર પાડશે.
પહેલા તબક્કાની ચૂંટણી માટે પશ્ચિમ ઉત્તર પ્રદેશના 11 જિલ્લાઓમાં 10 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે, જેમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના 11 જિલ્લા મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, હાપુડ, બાગપત, બુલંદશહર, મુઝફ્ફરનગર, શામલી, અલીગઢ, મથુરા અને આગ્રાની 58 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.
ચૂંટણી આયોગના ડેટા અનુસાર આ 11 જિલ્લાઓની 58 વિધાનસભા બેઠકોના 2.27 કરોડ લોકો પહેલા તબક્કામાં મતદાન કરશે.11 જિલ્લાઓમાં કુલ 10766 મતદાન મથકો અને 25849 મતદાન સ્થળો બનાવવામાં આવ્યા છે.
ભાજપે ખેડૂતો, યુવાનો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ સાથે જ ભાજપ યુવાનો, મહિલાઓ માટે રોજગાર, શિક્ષણ અને સુરક્ષાને લગતી જાહેરાતો કરી શકે છે એવું માનવામાં આવે છે. ખેડૂતોની આવક વધારવા, એગ્રીકલ્ચર કનેક્શન પર વીજળી બિલમાં રાહત આપવા સંબંધિત જાહેરાત પણ થઈ શકે છે. આમાં ધાર્મિક અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને લગતા મુદ્દાઓ પણ સામેલ કરી શકાય છે. બીજેપીનું લોક કલ્યાણ સંકલ્પ પત્ર છ ફેબ્રુઆરીએ જાહેર થવાનો હતો, પરંતુ ભારત રત્ન લતા મંગેશકરના અવસાનને કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
ખાનગી મેડિકલ કોલેજાેમાં ૫૦% સીટ પર સરકારી સંસ્થાઓ જેટલી ફી રહેશે
કોંગ્રેસ બુધવારે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કરવાનો છે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી બુધવારે લખનૌમાં પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરશે. અગાઉ, કોંગ્રેસે મહિલા મેનિફેસ્ટો અને યુવા ભરતી કાયદો બહાર પાડ્યો છે, જેમાં મહિલાઓ અને યુવાનોની ભરતી સંબંધિત જાહેરાતો છે.
ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરીમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા મતવિસ્તારો માટે સાત તબક્કામાં 10 ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે. આ દરમિયાન યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને માર્ચ 3 અને 7ના રોજ મતદાન થશે, મત ગણતરી 10 માર્ચે થશે.