ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
કોરોના કાળમાં બેફામ ફી વસૂલતી અને વિદ્યાર્થીઓને ઑનલાઇન ક્લાસમાંથી બહાર કાઢતી ખાનગી શાળાઓનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખળકરે બૉમ્બે હાઈકોર્ટમાં આ અંગે જનહિતની અરજી કરી હતી અને શાળાઓને ૫૦ ટકા ફી ઓછી કરવાનો આદેશ આપવાની વિનંતી કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીએ આ અરજીની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ફીનો મુદ્દો એટલો ગંભીર નથી કે તેને માટે કાનૂની લડત લડવી પડે અને વાલીઓ અને શાળાએ એ પરસ્પર હલ કરવો જોઈએ. કોર્ટે કહ્યું કે આ મુદ્દે વાલીઓને કોર્ટમાં આવવું પડે એ યોગ્ય નથી. વાલીઓ ઉપરાંત વિદ્યાર્થીઓને ઑનલાઇન લેક્ચરમાંથી બહાર ન કાઢવા જોઈએ એમ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાઈ કોર્ટે આપેલા ઠપકા બાદ ઠાકરે સરકારે મુંબઈ સહિત પાંચ વિભાગ માટે ફી નિયમનકારી સમિતિઓ સ્થાપવા માટે વટહુકમ બહાર પાડ્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે શું કોઈ શાળા ફી નિયમનકારી સંસ્થા શાળા ફી અધિનિયમ 2011 લાગુ કરવા માટે કામ કરી રહી છે? જો એ કાર્યરત હોય, તો પછી એની વિગતો કોર્ટને આપવી જોઈએ.
ઉપરાંત વડી અદાલતે અનએઇડેડ સ્કૂલ ફોરમ અને મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટી ઍસોસિયેશનની આ અરજીમાં ઇન્ટરવિન કરવાની અરજીને માન્ય રાખી હતી અને એફિડેવિટ નોંધાવવા કહ્યું હતું. આ કેસની આગામી સુનાવણી હવે ૧૬ જુલાઈએ થશે.