ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
કોરોના મહામારી અને સંભવિત ત્રીજી લહેરના જોખમને પગલે રાજ્ય સરકારે આ વર્ષે પણ ગણેશોત્સવ સરળ રીતે ઊજવવાનું નક્કી કર્યું છે અને સંબંધિત માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી કરતી વખતે ઘણાં નિયંત્રણોનું પાલન કરવું પડશે. મહામારીને કારણે પાલિકા તેમ જ સ્થાનિક વહીવટી તંત્રનાં ધોરણોને ધ્યાનમાં લઈ મંડપ બાંધવામાં આવશે. ઘરેલુ અને જાહેર ગણેશોત્સવમાં ભપકાદાર સજાવટ ન કરી સાદાઈથી ઉત્સવ ઊજવવાનું પણ રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરાયું છે.
આ માર્ગદર્શિકા અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ સાર્વજનિક મંડળ માટે 4 ફૂટ અને ઘરેલુ ગણપતિ માટે 2 ફૂટની જ હોવી જોઈએ. ઉપરાંત આ વર્ષે પર્યાવરણ અનુકૂળ હોય એ મૂર્તિને પ્રાધાન્ય આપવાનો આગ્રહ રાજ્ય સરકારે કર્યો છે અને ઘરે જ વિસર્જન કરવાનું કહ્યું છે. જો ઘરે વિસર્જન શક્ય ન હોય તો નજીકમાં જ વિધિ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ઉપરાંત આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે આરોગ્યને લગતી પ્રવૃત્તિઓ/શિબિરો (દા.ત. રક્તદાન)ને પ્રાધાન્ય આપવાનું પણ જણાવાયું છે.
કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટેના પ્રતિબંધના સ્તર અંગે સમયાંતરે જાહેર કરાયેલા પરિપત્ર મુજબ અન્ય પ્રતિબંધો અમલમાં રહેશે. ગણેશોત્સવ પ્રસંગે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. આરતી, ભજન, કીર્તન કે અન્ય ધાર્મિક કાર્યક્રમો કરતી વખતે ભીડ ન થાય એની કાળજી લેવાનું પણ આયોજકોને જણાવાયું છે. ગણપતિ મંડપમાં સેનિટાઈઝેશન અને થર્મલ સ્ક્રીનિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવાનું પણ સ્પસ્ષ્ટપણે કહેવાયું છે.
ઉલ્લેખનીય છે કે જે ભક્તો રૂબરૂ મુલાકાત લેવા ઇચ્છતા હોય છે તેમના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ તેમ જ સ્વચ્છતાના નિયમો (માસ્ક, સેનિટાઇઝર વગેરે)નું પાલન કરવા પર વિશેષ ધ્યાન આપવું પડશે અનેઑનલાઇન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવે એમ જણાવાયું છે.