ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
હરિયાણાની મનોહર ખટ્ટર સરકારે તેના તમામ સરકારી કર્મચારીઓને ખાસ સ્માર્ટ વૉચ આપવાનો નિર્ણય કર્યો છે. સ્માર્ટ વૉચની કિંમત 7થી 8 હજાર રૂપિયાથી ઓછી નથી, છતાં ખટ્ટર સરકારે તિજોરી પર આવો બોજ નાખવાનો નિર્ણય લીધો છે. આ સ્માર્ટ ઘડિયાળો ફક્ત તેને જ ઓળખશે જેમને તે સોંપવામાં આવશે. જ્યારે અન્ય વ્યક્તિ એનો ઉપયોગ કરશે તો એ કામ કરવાનું બંધ કરશે. વાસ્તવમાં આ એક નિર્ણયથી હરિયાણા સરકાર ઘણી ખામીઓને સુધારવા માગે છે.
હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે શનિવારે સોહનાના સરમથલા ગામમાં એક વિકાસ રૅલીમાં રાજ્ય સરકારના અધિકારીઓને લઈને મોટી જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે હરિયાણા સરકારના અધિકારીઓએ ખાસ પ્રકારની સ્માર્ટ વૉચ પહેરવી પડશે. જેથી ઑફિસ સમય દરમિયાન તેમની હિલચાલ પર નજર રાખી શકાય, સાથોસાથ તેમની હાજરી પણ નોંધી શકાય.
અફઘાનિસ્તાન ના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકો વચ્ચે અથડામણ, આટલા લોકોના નિપજ્યા મોત
મુખ્ય પ્રધાનના જણાવ્યા અનુસાર કોવિડ-19ને કારણે સરકારી અધિકારીઓની હાજરી નોંધવા માટેની જૂની બાયોમૅટ્રિક સિસ્ટમ હજુ શરૂ થઈ શકી નથી. જોકે ટૂંક સમયમાં તેમની હાજરી GPS આધારિત સ્માર્ટ વૉચ દ્વારા ટ્રૅક કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ખટ્ટરે જણાવ્યું કે આ પહેલાં સરકારી અધિકારીઓ અઠવાડિયામાં એક વખત ઑફિસ આવતા અને બધા દિવસોની હાજરી પૂરીને જતા રહેતા. આ કારણે બાયોમૅટ્રિક સિસ્ટમ દાખલ કરવામાં આવી, જેથી તેમની શારીરિક હાજરી સુનિશ્ચિત કરી શકાય, પરંતુ કોવિડને કારણે બાયોમૅટ્રિક સિસ્ટમનો ઉપયોગ હજી શક્ય નથી. એના કારણે વાયરસ ફેલાવાનું જોખમ છે. એથી અધિકારીઓને સ્માર્ટ વૉચ અપાશે.
હાલમાં, પંચકુલા મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ચંડીગઢ પ્રશાસને હાજરી માટે સ્માર્ટ વૉચ સિસ્ટમ અપનાવી છે. જોકે કેટલાક કર્મચારીઓ દ્વારા તેની ટીકા પણ કરવામાં આવી છે. તેમની પ્રાઇવસી ભંગ થશે એવું તેમનું માનવું છે.