ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રમાં રાજ્યના શિક્ષણ ખાતાએ પણ મહારાષ્ટ્રમાં 8મા ધોરણથી 10મા ધોરણ સુધી શાળા ચાલુ કરવાની જાહેરાત કરી હતી. જોકે રાજ્યની ટાસ્ક ફોર્સે આ નિર્ણય સામે લાલ આંખ કરતાં આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ હાલ શાળાઓ ખોલવામાં નહીં આવે એવી જાહેરાત કરવી પડી હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. રાજ્ય સરકારે દુકાનો અને હૉટેલોને રાતના 10 સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી દીધી છે. લોકલ ટ્રેન પણ સામાન્ય નાગરિકો માટે ખુલ્લી મુકાઈ છે, ત્યારે શિક્ષણ વિભાગે 17 ઑગસ્ટથી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્કૂલ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. જોકે ટાસ્ક ફોર્સ અને સ્કૂલ વિભાગના અધિકારીઓની બેઠક થઈ હતી, જેમાં સ્કૂલ ખોલવાને મુદ્દે ચર્ચા થઈ હતી. બાળકોના વેક્સિનેશનનું કામ પૂરું થયું નથી તો તેમને સ્કૂલમાં જવાની મંજૂરી કેવી રીતે આપી શકાય એવો સવાલ પણ ટાસ્ક ફોર્સે કર્યો હતો.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને જોખમ હોવાની ચેતવણી ટાસ્ક ફોર્સે પહેલાંથી જ આપી દીધી છે. એથી વેક્સિનેશન વગર તેમને શાળામાં બોલાવવા જોખમી બની શકે છે. એ મુદ્દા પર ટાસ્ક ફોર્સ અને શિક્ષણ અધિકારીઓની ચર્ચા થયા બાદ આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ હાલ શાળાઓ શરૂ થશે નહીં એવી જાહેરાત કરી હતી. જોકે હવે સ્કૂલો ક્યારે ખૂલશે એનો નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના શિરે નાખી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.