ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 નવેમ્બર, 2021
બુધવાર.
દિવાળીની તહેવારમાં મીઠાઈની ખરીદી પર લોકો તૂટી પડતા હોય છે. ત્યારે હરિયાણા સરકારે બહુ મહત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ દુકાનદાર મીઠાઈના બોક્સ સાથે વજન કરશે તો તેને 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કોઈ દુકાનદાર બોક્સ સાથે મીઠાઈનું વજન કરીને ગ્રાહકને આપે છે તો એવા દુકાનદાર સામે તુરંત ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર સુદ્ધા બહાર પાડવામાં આવ્યો છે.
હરિયાણા આ નિયમોનું પાલન થાય તે માટે સરકારી અધિકારીઓ નકલી ગ્રાહક બનીને દુકાનોનું ચેકિંગ પણ કરશે. તેમાં જો કોઈ દુકાનદાર પકડાયો તો તેને તુરંત 5,000 રૂપિયા અથવા તેનાથી પણ વધુ દંડ ભરવો પડશે. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓના કહેવા મુજબ જેટલી મોટી દુકાન અને મોંધી મીઠાઈ હોય એટલા મિઠાઈના બોક્સ પણ વજનદાર હોય છે. અમુક સમયે બોક્સનું વજન જ 50થી 100 ગ્રામ જેટલુ હોય છે. બોક્સના વજનને પગલે મીઠાઈ વજનમાં ઓછી આવતી હોય છે. તેમાં સરવાળે ગ્રાહકોને જ નુકસાન થતું હોય છે.