ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આદમખોર વાઘે હાહાકાર મચાવ્યો છે. આ વાઘને કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. અત્યાર સુધી આ વાઘે ૧૫ લોકોને ફાડી ખાધા છે. વાઘના આતંકને કારણે સ્થાનિક પ્રશાસન પણ દોડતું થઈ ગયું છે. વાઘ પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. જે રોજના ૪૦ કિલોમીટર પગપાળા ચાલીને વાઘને શોધી રહી છે. ભારે પ્રયાસ બાદ પણ વાઘ હાથમાં આવતો નથી. વાઘનું પગેરું મેળવવા માટે જંગલમાં ૧૫૦ કૅમેરા પણ બેસાડવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિકોની પણ મદદ લેવામાં આવી રહી છે.
એક અંદાજ મુજબ ગઢચિરોલીના જંગલમાં ૩૨ વાઘ છે. એથી લોહી ચાખી ગયેલા વાઘને પકડવો મુશ્કેલ થઈ ગયું છે. વાઘને શોધવા ડ્રૉનની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે સતત વરસાદને કારણે મુશ્કેલી આવી રહી છે. સ્થાનિક પ્રશાસને ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓને શક્ય હોય તો ૧૫ દિવસ બહાર ન નીકળવાની સલાહ આપી છે.