ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
કૉન્ગ્રેસના માથા પરથી મુસીબત હટવાનું નામ જ નથી લેતી. એક રાજ્યમાં વિરોધ શાંત નથી પડતો કે બીજા રાજ્યમાં વિરોધ ફાટી નીકળે છે. હવે કૉન્ગ્રેસમાં ગુજરાત એકમના અધ્યક્ષ હાર્દિક પટેલ સામે સ્થાનિક સ્તરે વિરોધ જાગ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકની માગણી સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાએ રાજધાની દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. પાર્ટીને અનુભવી અધ્યક્ષ મળે એવી માગણી આ નેતાઓએ કરી હોવાનું માનવામાં આવે છે. હાલ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી હાર્દિક પટેલના શિરે છે. ફેબ્રુઆરીમાં સ્થાનિક ચૂંટણીમાં કૉન્ગ્રેસના નબળા પ્રદર્શન બાદ ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પરથી અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભ્ય વિપક્ષના નેતા પરેશ ધનાણીએ રાજીનામું આપી દીધું હતું.
વેપારીઓની સામાન્ય નાગરિકોને હાથ જોડીને વિનંતી : આ દિવાળીમાં સામાન્ય દુકાન થી ખરીદો ઓનલાઇન નહીં
ગુજરાતમાં કૉન્ગ્રેસના અનેક નેતાઓએ હાર્દિક પટેલને અધ્યક્ષ બનાવવા સામે વિરોધ દર્શાવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે 2022ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
એવા સમયે ગુજરાત કૉન્ગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે મજબૂત નેતાની માગણી સ્થાનિક પક્ષના કાર્યકર્તા કરી રહ્યા છે, જેમાં ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકુરનાં નામ ચર્ચામાં છે. વિપક્ષના નેતા તરીકે વીરજી થુમાર અને પંજાભાઈ વંશનાં નામ આગળ હોવાનું ચર્ચાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીની આસપાસ પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે. જેમાં પ્રદેશ અધ્યક્ષપદે અનુભવી નેતાની માગણી સ્થાનિક પક્ષના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે.
સ્થાનિક સ્તરે હાર્દિક પટેલ સામે વિરોધ થઈ રહ્યો છે, છતાં પાર્ટીના કેન્દ્રીય નેતાઓને પટેલ પર પૂરેપૂરો ભરોસો હોવાનું કહેવાય છે.