ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક તરફ વડા પ્રધાન મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન માટે આવ્યા હતા, જેમાં ભાજપ વ્યસ્ત હતી ત્યારે બીજી તરફ પિંપરી-ચિંચવડ મહાપાલિકાના વિકાસકામના ઉદ્ઘાટન માટે આવેલા ભાજપના નેતા અને વિધાનસભાના વિરોધીપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ પર ચપ્પલ ફેંકાતા સોપો પડી ગયો હતો.
પિંપરી-ચિંચવડમાં પાલિકામાં ભાજપનુ શાસન છે. રવિવારે જુદા જુદા વિકાસના કામનું ઉદ્ઘાટન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે હતું. તે માટે તેઓ નીકળ્યા હતા ત્યારે તેમના ગાડીના કાફલા પર રાષ્ટ્રવાદી કોંગેસના કાર્યકર્તાઓએ ચપ્પલ અને બંગડીઓ ફેંકી હોવાનો બનાવ બન્યો છે, જેનો ભાજપે વિરોધ કર્યો છે.
અમૃતસરમા બીએસએફ કેમ્પમાં બીએસએફના જવાનનો સાથીઓ પર બેફામ ગોળીબાર, પાંચનાં મોત. જાણો વિગતે
આ અગાઉ જોકે ભાજપ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકર્તા સામ-સામે થઈ ગયા હતા અને તેમને સંભાળતા પોલીસને નાકે દમ આવી ગયો હતો. નાછૂટકે પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો.
રાષ્ટ્રવાદી કોંગ્રેસે આરોપ કર્યો હતો, જે પાંચ વર્ષમાં પાલિકામાં ભાજપે ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે, અને તેના વિરોધમાં તેઓએ આંદોલન કર્યું હતું. બપોરના આ કાર્યક્રમ હતો, તે અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકર્તાઓએ નારાબાજી કરી હતી અને બંને પક્ષના કાર્યકર્તા સામસામે થઈ ગયા હતા. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફડણવીસ આવ્યા હતા જોકે તે સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના પર ચપ્પલ અને મહિલા કાર્યકર્તાઓએ બંગડી ફેંકીને તેમનો વિરોધ કર્યો હતો.