ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧
શુક્રવાર
લગ્ન સમયે ફેરા ફરતી વખતે યુગલ એકબીજાનો જીવનભર સાથ આપવાની અને સાત જન્મ સુધી આ જોડી સલામત રહે એવી પ્રાર્થના કરતાં હોય છે, પરંતુ મહારાષ્ટ્રના પત્નીપીડિત પુરુષોએ આનાથી એકદમ વિરુદ્ધ આગામી સાત જન્મ સુધી આવી પત્ની ન મળે એ બદલ પ્રાર્થના કરી છે. મહારાષ્ટ્રમાં વડસાવિત્રી પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે પતિના દીર્ઘાયુષ્ય અને સાત જન્મ આવો જ પતિ મળે એ બદલ મહિલાઓ વડના ઝાડની પ્રદક્ષિણા કરી પૂજા કરે છે.
તો બીજી તરફ ઔરંગાબાદમાં આજે પત્નીપીડિત પતિઓએ સાથે મળી પીપળાના ઝાડની પૂજા કરી પૂર્ણિમાની ઉજવણી કરી હતી અને ઓપ્રાર્થના કરી હતી. મહિલા પર પુરુષો દ્વારા ગુજારવામાં આવતા અત્યાચારને રોકવા માટે ઘણા કાયદાઓ અસ્તિત્વમાં છે, પરંતુ મહિલાઓ દ્વારા પુરુષો પર ગુજારવામાં આવતા અત્યાચાર માટે આવા કોઈ કાયદા નથી. એથી પુરુષો ભગવાનના શરણે ગયા હતા.
આ સંદર્ભે પત્નીપીડિત આશ્રમ સંગઠનના એક પત્નીપીડિત વ્યક્તિએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે અમારી પત્નીઓએ અમને એટલો ત્રાસ અને પીડા આપી છે કે સાત જન્મ સુધી તો દૂર અમે સાત સેકન્ડ પણ તેમની સાથે સંસાર ચલાવી શકવામાં અસમર્થ છીએ. એથી જો અમારી પત્ની વડની પૂજા કરી સાત જન્મ અમારો સાથ માગતી હોય તો તેમની પ્રાર્થના ક્યારેય સફળ ન થાય એવી પ્રાર્થના અમે પણ કરીએ છીએ.
આ વ્યક્તિએ ઉમેર્યું હતું કે પુરુષોની તરફેણમાં કોઈ કાયદા ન હોવાથી મહિલાઓને કાયદાનું સંરક્ષણ મળે છે એથી ઘણીવાર પુરુષોને આત્મહત્યા કરવાનો સમય આવે છે. એથી રાજ્ય સરકારે પુરુષો તરફ ઉદારતા દાખવી 'પુરુષ આયોગ'ની સ્થાપના કરવી જોઈએ.