ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં 7 કલાકના મુશળધાર વરસાદને પગલે સ્થિતિ બેકાબૂ બની છે. લોકોનાં મકાનો પાણીમાં ડૂબવા લાગ્યાં છે તેમ જ પરિસ્થિતિ એટલી બેકાબૂ બની રહી છે કે સ્ટેટ ડિઝાયર રિસ્પૉન્સ ફન્ડ (SDRF)ની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિની જાણ થઈ નથી, પરંતુ પાણીનો સ્તર સતત વધી રહ્યો છે. તમામ મુખ્ય રસ્તાઓ નદીમાં ફેરવાઈ રહ્યા છે. મોટા પથ્થરો પણ માટીની સાથે લોકોના ઘરમાં ઘૂસી ગયા છે.
મળતી માહિતી અનુસાર દેહરાદૂનના સાંતલાદેવી મંદિર પાસે ખૈબરવાલામાં બે વાર વાદળ ફાટ્યું છે, જેના કારણે પાણીની સાથે કાટમાળ પણ લોકોનાં ઘરોમાં ઘૂસી ગયો છે. ઘણા લોકોનાં ઘરોમાં મોટા પથ્થરો પણ ઘૂસ્યા હતા. વાદળ ફાટ્યાં બાદ મોટા પથ્થરોએ લોકોના ઘરની છતને પણ નુકસાન પહોંચાડ્યું છે. ભારે વરસાદથી નદીઓ તોફાને ચઢી છે. દેહરાદૂનના આઇટી પાર્ક જેવા પૉશ વિસ્તારમાં પણ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે. પાણી એટલું સ્પીડમાં રસ્તા પર વહી રહ્યું છે કે ગાડીઓની અવરજવર બંધ થઈ ગઈ છે. અનેક ગાડીઓ રસ્તા પર ફસાઈ છે.