ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જૂન 2021
ગુરુવાર
કોલાબાથી સિપ્ઝ વચ્ચે બની રહેલી અન્ડર ગ્રાઉન્ડ મેટ્રો-3 પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબને કારણે જાપાન સરકારે નારાજી વ્યક્ત કરી છે. 33.5 કિલોમીટર લાંબી મેટ્રો જાપાન સરકારના સહયોગથી બની રહી છે. કોરોના મહામારી વચ્ચે અપૂરતા મનુષ્ય બળ, કાચા માલની અછત સહિત ફંડના અભાવે કામ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એને કારણે પ્રોજેક્ટની કિંમતમાં ભારે વધારો થયો છે. એથી જાપાન સરકારે પ્રોજેક્ટમાં હજી ડીલે થવાની ચેતવણી આપી છે.
જાપાનના રાજદૂત સુઝુકી સતોશીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ફેબ્રુઆરી, 2021માં પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી છે કે ફંડના અભાવે કામમાં ડીલે થઈ શકે છે. એથી પ્રોજેક્ટની રિવાઈસ્ટ કોસ્ટને મંજૂરી આપો, તો જાપાન ઇન્ટરનૅશનલ કૉર્પોરેશન એજેન્સી ફંડ રીલીઝ કરી શકશે. તેમ જ ડેડલાઇનમાં કામ પણ પતી શકે. અન્યથા કરન્સીના રેટ ચેન્જ થશે તો એને કારણે પણ પ્રોજેક્ટની કિંમતમાં હજી વધારો થઈ શકે છે.
સામાન્ય નાગરિકો નહીં, પણ ડિફોલ્ટરો પાસેથી વસૂલ કરો પ્રૉપર્ટી ટૅક્સ, વેપારીઓની માગણી ; જાણો વધુ વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મેટ્રો રેલ કૉર્પોરેશને પણ ફંડનો અભાવ હોવાથી કામમાં અડચણો આવી રહી હોવાની મુખ્ય પ્રધાનને અગાઉ જ જાણ કરી હતી. મેટ્રો રેલ કૉર્પોરેશને હાલમાં જ જાહેર કર્યું હતું કે મેટ્રો-3 પ્રોજેક્ટનો ખર્ચ 10,000 કરોડ રૂપિયાથી વધી ગયો છે. અગાઉ પ્રોજેક્ટની કિંમત 23,136 કરોડ રૂપિયા હતી. હવે વધીને 33,406 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અત્યાર સુધી પ્રોજેક્ટ પાછળ 18,000 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે.