ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જુલાઈ, 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં કાળો કેર મચાવનારા વરસાદને પગલે ભેખડ ધસી પડતાં 65થી વધુનાં મોત થયાં છે, ત્યારે રાજ્યને અડીને આવેલા ગોવામાં પણ ભેખડ ધસી પડવાના બનાવ બન્યા હતા, જેમાં એક ટ્રેન પર ભેખડ ધસી પડવાનો બનાવ બન્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
શુક્રવારે કર્ણાટક મેંગલુરુથી મુંબઈ જતી 01134 મેંગલુરુ જંકશન-સીએસટી ટર્મિનલ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન સાથે આ બનાવ બન્યો હતો. આ બનાવ દુધસાગર-સોનોલિમ જંક્શનની વચ્ચે બન્યો હતો. એમાં વશિષ્ટી નદીમાં આવેલા પૂરને પગલે ટ્રેનનો રૂટ મડગાંવ-લોંડા-મિરાજ એમ બદલી નાખવામાં આવ્યો હતો. આ ટ્રેન જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે ભેખડ ધસી પડવાને કારણે ટ્રેન પર માટીના ઢગલા છવાઈ ગયા હતા. તથા ટ્રેન પણ પાટા પરથી ખડી પડી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. તાત્કાલિક ધોરણે બચાવકામગીરી હાથમાં લેવામાં આવી હતી. ટ્રેનમાં રહેલા તમામ પ્રવાસીઓને બચાવીને કુલેમ મોકલી દેવામાં આવ્યા હતા.
રેલવેના કહેવા મુજબ દુધસાગર-સોનોલિમ જંક્શન અને કરંજોલ અને દુધસાગર સ્ટેશનની વચ્ચે દક્ષિણ-પશ્ચિમ રેલવેના હુબલી ડિવિઝન ઘાટ સેક્શનની બે જગ્યાએ ભેખડ ધસી પડવાના બનાવ બન્યા હતા.