ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં ફરી ચોમાસું જામ્યું છે ત્યારે બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ઔરંગાબાદમાં આવેલી પ્રખ્યાત અજન્ટા ગુફા પર ભેખડ ધસી પડી હોવાની દુર્ઘટના બની હતી. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી તેમ જ ગુફાને પણ કોઈ ખાસ નુકસાન થયું નથી.
બે દિવસથી ઔરંગાબાદ પરિસરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે મધરાતે અજન્ટાની ગુફા નંબર સાતના માથા પર મોટી ભેખડ ધસી પડી હોવાનું પુરાતત્ત્વ ખાતાના ધ્યાનમાં આવ્યું હતું. સદ્નસીબે આ બનાવ રાતના સમયે થયો હોવાથી એ સમયે ત્યાં કોઈ પર્યટક હાજર નહોતો, પરંતુ ગુફાની તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી તેમ જ ગુફાને પણ બહુ નુકસાન થયું નહોતું. બુધવારે સવારે ગુફાની બહાર રહેલા પથ્થરોને હટાવી દેવામાં આવ્યા હતા.
અજન્ટા ગુફાની આજુબાજુના ડુંગર પરથી ભેખડ ધસી પડવાના અનેક વખત બનાવ બનતા હોય છે, પરંતુ પુરાતત્ત્વ ખાતા દ્વારા નિયમ મુજબ એ બાબતે ગુપ્તતા રાખવામાં આવતી હોય છે.