ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
મધ્યપ્રદેશ સરકારે હવે એમબીબીએસને હિન્દીમાં ભણાવવાનો નિર્ણય લીધો છે. હિન્દીમાં એમબીબીએસ ર્સનો પાયલોટ પ્રોજેક્ટ રાજધાની ભોપાલની ગાંધી મેડિકલ કોલેજથી શરૂ થશે. રાજ્યના આરોગ્ય શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે મધ્યપ્રદેશ હિંદી માધ્યમમાં એમબીબીએસના અભ્યાસ પ્રારંભ કરવાવાળું પહેલું રાજ્ય બનશે.
હિન્દી માધ્યમમાં એમબીબીએસ અંગે ભોપાલની ગાંધી મેડિકલ કોલેજમાં સુચના-માર્ગદર્શન આપી દેવામાં આવ્યું છે. કોલેજમાં નવું સત્ર બે મહિનામાં શરૂ થશે. આરોગ્ય શિક્ષણ ડાયરેક્ટર જીતેન શુક્લના નેતૃત્વમાં ૧૪ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ હિન્દીમાં એમબીબીએસના અભ્યાસ માટેની કાર્યયોજના તૈયાર કરશે. આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે હવે રાજ્યમાં બેચલર ઑફ મેડિસિન અને બેચલર ઑફ સર્જરી ભારતની રાષ્ટ્રભાષા એટલે કે હિન્દીમાં ભણાવવામાં આવશે. ગાંધી મેડિકલ કોલેજ, ભોપાલ પણ એપ્રિલ મહિનાથી હિન્દી ભાષામાં એમબીબીએસ કોર્સ શરૂ કરશે.
ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા તેમણે કહ્યું હતું કે એમબીબીએસને હિન્દી માધ્યમ ભણાવવામાં આવશે. ભોપાલની ગાંધી મેડિકલ કોલેજ એપ્રિલથી હિન્દીમાં એમબીબીએસ અભ્યાસક્રમની રજૂઆત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની ઇચ્છા અનુસાર, એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને વિધિવત્ રૂપે કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અમે પ્રથમ વર્ષના ત્રણ વિષયોના એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રીના પુસ્તકોનો અનુવાદ કરીશું.
હિન્દીમાં શિક્ષણનો અર્થ સમાનાંતર રૂપથી હિન્દી માધ્યમથી ભણતા વિદાર્થીઓને મદદ કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અંગ્રેજીની સાથે-સાથે હિન્દીનાં પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે. સારંગે જણાવ્યું હતું કે હિન્દી સેલનું વિધિવત્ રચના કરીને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. એમાં અલગ-અલગ ક્ષેત્રના નિષ્ણાતો સામેલ છે.