ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના દાદર સ્થિત આવેલા કૃષ્ણકુંજ બંગલામાં મુલાકાત લીધી હતી. બંને નેતાઓની મુલાકાતને પગલે બંને પક્ષો વચ્ચે યુતિ થવાની અટકળોએ જોર પકડ્યું છે.
આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકા સહિત મહારાષ્ટ્રમાં નાશિક, પુણે, થાણે, સહિત અનેક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ પ્રમુખ અને મનસે પ્રમુખ વચ્ચેની આ બેઠક મહત્ત્વની માનવામાં આવે છે. આ બેઠકમાં આગામી વર્ષે થનારી ચૂંટણી સાથે લડવાથી લઈને મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં શિવસેનાને કેવી રીતે પછાડવી એવા મુદ્દાઓ પર ઊંડાણમાં ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. લાંબા સમય સુધી બંને વચ્ચે ચાલેલી મુલાકાતે રાજકીય ગરમાટો લાવી દીધો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરે અને તેમનો પુત્ર અમિત ઠાકરે પણ હાજર રહ્યાં હોવાનું માનવામાં આવે છે. લાંબા સમયથી મનસેમાં નિષ્ક્રિય રહેલા બાળ નાંદગાવકર પણ આ બેઠકમાં હાજર હોવાનું કહેવાય છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી શિવસેનાની સાથે જ ભાજપ માટે પણ મહત્ત્વની માનવામાં આવે છે. શિવસેના અને ભાજપ બંને પક્ષો એકલા હાથે પાલિકામાં સત્તા મેળવવાનો મનસૂબો રાખી રહ્યાં છે, તો મનસે માટે મુંબઈમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠક મેળવવી આવશ્ક થઈ ગયું છે. હાલ મુંબઈ મનપામાં મનસેનો માત્ર એક જ નગરસેવક બચ્યો છે. એથી ભાજપ અને મનસે કોઈ પણ હિસાબે મુંબઈ મનપામાં પોતાની જીત મેળવવાના પ્રયાસમાં છે. ભાજપના ગુજરાતી મત સામે શિવસેનાના મરાઠી મત તોડવા માટે મનસેનો ઉપયોગ કરવાનો ભાજપનો પ્લાન હોવાનું કહેવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર આવી છે ત્યારથી ભાજપ અને મનસે વચ્ચે પણ યુતિ થવાની અટકળો ચાલતી રહી છે, કારણ કે પાલઘરની જિલ્લા સ્તરની ચૂંટણીમાં મનસેએ ભાજપને સાથ આપ્યો હોવાનું કહેવાય છે. ત્યાર બાદ પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરાધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના આશિષ શેલારે મનસે સાથે બેઠકો કરી હતી. એથી ચંદ્રકાત પાટીલ અને રાજ ઠાકરેની આ બેઠકમાં ચોક્કસપણે આગામી પાલિકાઓની ચૂંટણી સાથે લડવાને લઈ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.
જોકે ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે આ મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવી હતી અને કહ્યું હતું કે બે પક્ષના નેતા મુલાકાત કરશે તો રાજકારણ પર ચર્ચા ચોક્કસ કરશે. બંને પક્ષની યુતિની અટકળો બાબતે ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે આ બાબતનો નિર્ણય મહારાષ્ટ્રમાં નહીં, પણ દિલ્હીમાં લેવામાં આવશે.