ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021
ગુરુવાર.
ચાલુ વર્ષે તથા આગામી વર્ષે થનારી સ્થાનિક મહાનગરપાલિકા, પાલિકા તથા પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મુંબઈને બાકાત કરતા મહારાષ્ટ્રની તમામ મહાનગરપાલિકા તથા મ્યુનિસિપલ કાઉન્સિલમાં હવેથી દરેક વોર્ડમાં ત્રણ નગરસેવકો રહેશે. રાજયની કેબિનેટની બેઠકમાં બુધવારે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બહુ જલદી તેને લગતો વટહુકમ બહાર પાડવામાં આવશે.
મુંબઈ મ્યુનિસિપલ એક્ટ એ બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માટેનો અલાયદો કાયદો છે. તેથી મુંબઈમાં એક વોર્ડ –એક નગરસેવકની સિસ્ટમ જ ચાલુ રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની ફેબ્રુઆરી 2022માં ચૂંટણી થવાની છે.
મુંબઈ સિવાય રાજયની મહાનગરપાલિકામાં દરેક વોર્ડમાં 3, તો નગરપાલિકામાં 2 અને નગરપંચાયતમાં 1 સભ્ય રહેશે એવી માહિતી નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ આપી હતી.
અગાઉ મહાનગરપાલિકામાં 4 નગરસેવકોનો એક વોર્ડ કરવાનો પ્રસ્તાવ નગરવિકાસ વિભાગે રજૂ કર્યો હતો. જોકે ચાર નગરસેવકો સાથે વોર્ડ મોટો થઈ જશે. તેથી 3 નગરસેવકો સાથેનો વોર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહંત નરેન્દ્ર ગિરીના મોતની તપાસ હવે CBI કરશે, આ રાજ્ય સરકારે કરી ભલામણ; જાણો વિગતે
સરકારના કહેવા મુજબ આ નિર્ણયથી રાજય સરકાર તરફથી મળતા ભંડોળનો યોગ્ય પ્રકારે ઉપયોગ થશે. તેમ જ સંબંધિત વોર્ડનો પણ યોગ્ય રીતે વિકાસ થઈ શકશે એવો દાવો સરકારે કર્યો છે. જોકે આ નિર્ણયથી મહાવિકાસ આઘાડી સરકારના ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ફાયદો થશે એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.