ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જૂન 2021
શનિવાર
દેશમાં કોરોનાના કારણે થનારાં મોતના મામલે ગયા મહિને પાંચમા સ્થાને રહેનાર મહારાષ્ટ્ર હવે આઠમા સ્થાને આવી ગયું છે. પહેલા નંબરે પંજાબ, બીજા નંબરે ઉત્તરાખંડ, ત્રીજા નંબરે નાગાલૅન્ડ, ચોથા નંબરે ગોવા અને પાંચમા સ્થાને દેશની રાજધાની દિલ્હી છે. જોકે છઠ્ઠા ક્રમાંકે રહેલા આંદામાન અને મહારાષ્ટ્રનો મૃત્યુદર સમાન છે. આંદામાન અને મહારાષ્ટ્રનો મૃત્યુદર 1.68 ટકા છે.
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેરની શરૂઆત 10 ફેબ્રુઆરીથી થઈ હતી. બીજી લહેરને કારણે અત્યાર સુધી 46,034 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોનાને કારણે મોતના આંકડા ઝડપથી વધી રહ્યા હતા. ગયા વર્ષે 9 માર્ચ, 2020થી શરૂ થનાર કોરોનાએ અત્યાર સુધીમાં 97,394 લોકોનો ભોગ લીધો છે. પ્રથમ લહેરમાં 9 ફેબ્રુઆરી સુધી કોરોનાને કારણે કુલ 51,360 લોકોનાં મોત થયાં હતા, જ્યારે બીજી લહેર એટલે કે 10 ફેબ્રુઆરીથી 3 જૂન સુધી 46,034 લોકોનાં મોત કોરોનાને કારણે થયાં છે.
ડેથ રિવ્યુ સમિતિના અધ્યક્ષ ડૉ. અવિનાશ સુપેએ કહ્યું કે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેરમાં જે વાયરસ વેરિયન્ટ છે એ અચાનક મોતનું કારણ છે.
રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં સૌથી વધારે 14,907 લોકોનાં મોત મુંબઈમાં થયાં છે. એ પછી 12,737 મોત સાથે પુણે બીજા નંબરે છે. ત્રીજા નંબરે ઠાણેમાં 8,255 લોકોનાં મોત થયાં તો ચોથા નંબરે નાગપુરમાં 6,787 લોકોનાં મોત થયાં છે.