ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
હાલમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ બની છે. દરમિયાન રત્નાગિરિથી એક સરાહનીય કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં એક સરકારી અધિકારી સરકારના નવ લાખ રૂપિયા બચાવવા માટે લગભગ સાત કલાક બસની છત પર બેસી રહ્યો હતો. આ વિસ્તારમાં પૂર અને વરસાદ વચ્ચે દૈનિક ટ્રાન્સપૉર્ટેશન રેવન્યુ વિભાગની મોટી રકમ બચાવવા માટે ચિપળૂણના બસ ડેપોના મૅનેજર લગભગ સાત કલાક સુધી ડૂબી ગયેલી બસના છાપરા પર બેસી રહ્યા હતા.
મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં ચિપળૂણ બસ ડેપોના મૅનેજર રણજિત રાજે શિર્કે ભારે વરસાદ વચ્ચે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયા હતા. આ વિસ્તારમાં ભારે પૂરને કારણે અનેક વાહનો અને બસો ડૂબી ગઈ હતી. આવી ભયંકર પરિસ્થિતિમાં પણ આ અધિકારી પોતાની ફરજ ચૂક્યો ન હતો. ઑફિસ જઈ રોજિંદી આવકના લગભગ નવ લાખ રૂપિયા લઈ એને પ્લાસ્ટિક કવર ચઢાવી અને બીજા સાથીઓ સાથે એક ડૂબી ગયેલી બસના છાપરા પર લગભગ સાતથી આઠ કલાકનો સમય પસાર કર્યો હતો.
આ સંદર્ભે શિર્કેએ મીડિયાને કહ્યું કે "દર મિનિટે પાણીનો સ્તર વધી રહ્યો હતો. જો આ રોકડ ઑફિસમાં રાખવામાં આવી હોત, તો આ પૈસા ધોવાઈ જવાની સંભાવના હતી. જોકેપૈસા લીધા બાદ આ વિસ્તારની બહાર હું નીકળી શક્યો ન હતો. એથી બીજા અધિકારીઓ સાથે બસ ઉપર ચઢી ગયો હતો.”