ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
રાજ્ય સરકારે હાઉસિંગ સહિત તમામ કૉ-ઑપરેટિવ સોસાયટીને નિર્દેશ આપ્યો છે કે તેઓ હવેથી મરાઠીમાં જ તેમના ઑડિટ અહેવાલો રજૂ કરે. મંગળવારે કૉ-ઑપરેશન કમિશનર અનિલ કાવડે દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સોસાયટીઓને તાજેતરમાં સમાપ્ત થયેલ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નો ઑડિટ રિપૉર્ટ પણ મરાઠીમાં જ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
પરિપત્રમાં જણાવાયું છે કેમોટા ભાગના કૉ-ઑપરેશન વિભાગના અધિકારીઓ, હોદ્દેદારો, ઑડિટર્સ અને પદાધિકારીઓ મરાઠી બોલે છે અને લખે છે તેવામાં અધિકારીઓ યોગ્ય સમીક્ષા અને પગલાં લેઈ શકે એ હેતુસર આ નિયમ બનાવવામાં આવ્યો છે. છતાં પરિપત્રમાં સોસાયટીઓ માટે અંગ્રેજી સંસ્કરણની મંજૂરી આપવામાં આવી છે કે જેમણે ઑડિટરની નિમણૂક કરતી વખતે તેમની જનરલ બૉડી (જીબી)માં જરૂરી ઠરાવ કર્યો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને રિપૉર્ટ્સ સબમિટ કરતી વખતે કમિશનર ઇચ્છે છે કે સોસાયટીઓ બૅન્કની માર્ગદર્શિકાનું પાલન કરે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલ્ફેર ઍસોસિયેશનના રમેશ પ્રભુએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “કાયદા મુજબ આ પગલું એકદમ સચોટ છે અને એને પડકારવામાં આવી શકે નહીં.” જ્યારે ઍડ્વોકેટ વિનોદ સંપટે આ મીડિયા હાઉસને કહ્યું કે “આ પગલા પાછળનો હેતુ સારો હોઈ શકે, છતાં એ મુંબઈ જેવા કૉસ્મોપોલિટન શહેરમાં વ્યાવહારિક નથી. એ નીચા આઉટપુટમાં પણ પરિણમી શકે છે. કારણ કે ઘણા સીએ મરાઠી નથી જાણતા, જ્યારે કેસ કોર્ટમાં આવે છે ત્યારે અંગ્રેજી અનુવાદ આપવો પડે છે.”