ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને શિવસેનાના નેતાઓનાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યાં છે. હવે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સિનિયર નેતા અને મહાવિકાસ આઘાડી સરકારમાં જળસંસાધન પ્રધાન રહેલા જયંત પાટીલ પર જમીન કૌભાંડનો આરોપ લગ્યો છે.
જયંત પાટીલ સંબંધિત એક શૈક્ષણિક સંસ્થા પર બૉમ્બે હાઈ કોર્ટના આદેશનું અવમાન કરીને એક વિવાદિત જમીનને સરકારી યોજના માટે આપવાનો આરોપ છે. એ માટે સંસ્થાને મોટા પાયા પર વળતર મળ્યું છે. સંબધિત પ્લૉટ પાણીના ભાવે ખરીદવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પ્લૉટ પર શૈક્ષિણક સંસ્થાએ આઠ વર્ષમાં કોઈ કામ કર્યું નથી.
પનવેલ તાલુકામાં મુંબઈ-ગોવા હાઈવે પર શિરઢોણ ગામની ગ્રામપંચાયતે 1998માં રાજ્ય સરકારને આ જમીનનો ઉપયોગ વસતી વિસ્તાર યોજના કરવા માટે લખ્યું હતું. પરંતુ 2004માં તેમને જાણ થઈ હતી કે લગભગ 14 એકરની જમી સાંગલી જિલ્લાના વાલવાના કાસેગાંવ એજ્યુકેશન સોસાયટીને આપવામાં આવી છે. તેથી ત્યારના નાણાપ્રધાન અને પ્લાનિંગ મિનિસ્ટર તથા રાયગઢ જિલ્લાના પાલકપ્રધાન જયંત પાટીલ સાથે જોડાયેલી સંસ્થાને રાજ્ય સરકારે એન્જિનિયરિંગ કૉલેજ બનાવવા માટે પ્લૉટ આપવામાં આવ્યો હતો. પાંચ વર્ષ પહેલાં 2004માં પ્લૉટના બજારભાવથી 25 ટકાના દરે આ સંસ્થાએ 20 લાખ રૂપિયા સરકારને આપ્યા હતા. એ સમયે શિરઢોણ ગામના લોકોએ એનો વિરોધ પણ કર્યો હતો. છતાં તેમના વિરોધને ગણકારવામાં આવ્યો નહોતો. તેથી તેમની ફરિયાદ પર સરકારની વિરુદ્ધમાં કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે અરજી પર સુનાવણી દરિમયાન પ્લૉટના વિકાસ પર સ્ટે મૂકી દીધો હતો. કોર્ટના આદેશ બાદ પણ 2012માં રાયગઢના ડેપ્યુટી કલેક્ટરને જમીન સંપાદનનો આદેશ બહાર પાડી મુંબઈ-ગોવા હાઈવે પાસેની લગભગ બે એકર જમીનનું સંપાદન કરી લીધુ હતું. ત્યાર બાદ કાસેગાંવ એજ્યુકેશન સોસાયટીને આ પ્લૉટ માટે લગભગ 60 લાખ 34 હજારનું વળતર આપવામાં આવ્યુ હતું. સંસ્થાના સચિવે તેને સ્વીકારી લીધી હતું. જોકે કોર્ટના આદેશને પગલે પ્લૉટનું વળતર ગ્રામપંચાયત અથવા સરકારી ખજાનામાં જમા થવું જોઈતું હતું, પણ તત્કાલિક કલેક્ટરે તેના પર ધ્યાન આપ્યું નહોતું. સંસ્થાને વળતર આપી દેવામાં આવ્યું હતું.
કાસેગાંવ એજ્યુકેશનની સ્થાપના 1945માં પશ્ચિમ મહારાષ્ટ્રના પ્રભાવશાળી નેતા રાજારામબારુ પાટીલે કરી હતી. તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર અને વર્તમાન નેતા જયંત પાટીલ સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા છે.