ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
ભાજપના અગ્રણી સ્વર્ગીય નેતા ગોપીનાથ મુંડેનાં પુત્રી અને ભાજપનાં મહારાષ્ટ્રમાં મહિલાનેતા પંકજા મુંડેનો આજે 26 જુલાઈના જન્મદિવસ છે. તેમને જન્મદિવસની શુભેચ્છા આપતાં અનેક હૉડિંગ્સ અને પોસ્ટરો તેમના સમર્થકોએ લગાડ્યાં છે, પરંતુ એમાંથી ભાજપના નેતાઓના ફોટા ગાયબ છે. એથી પંકજા મુંડે બહુ જલદી પક્ષને રામ રામ કરી દેશે એવી ચર્ચાએ ફરી એક વખત જોર પકડ્યું છે.
થોડા દિવસ પહેલાં ભાજપે પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું હતું, જેમાં પંકજા મુંડેનાં બહેન અને સાંસદ પ્રીતમ મુંડેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. એને પગલે પંકજા મુંડે અને તેમના સમર્થકોમાં પક્ષ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.
પંકજાને જન્મદિવસની શુભેચ્છા આપતાં અનેક પોસ્ટર્સ અને હૉર્ડિંગ્સ બીડ, પરલી સહિત અનેક જગ્યાએ લગાડવામાં આવ્યાં છે. એમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના પ્રદેશપ્રમુખ ચંદ્રકાંત પાટીલ સહિત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ વિરોધ પક્ષના નેતા રહેલા દેવેન્દ્ર ફડણવીસના ફોટા ગાયબ છે. જે પકંજા મુંડે નારાજ હોવાનું સાબિત કરતાં હોવાનું મહારાષ્ટ્રમાં રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.