ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022
સોમવાર.
ભારતની કોકિલકંઠી ભારત રત્ન લતા મંગેશકરનું રવિવારે નિધન થયું. લતા મંગેશકરના નિધન બાદ કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આજે રાજ્યસભા શરૂ થાય તે પહેલા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજ્યસભાના સ્પીકર વેંકૈયા નાયડુએ શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યાર બાદ રાજ્યસભાને એક કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
વેંકૈયા નાયડુએ કહ્યું કે લતા મંગેશકરના નિધનથી દેશ સ્તબ્ધ છે. તેમના નિધનથી દેશને ઘણું નુકસાન થયું છે દેશે એક સારા પ્લેબેક સિંગર ગુમાવ્યા છે. ભારતીય સંગીત અને ફિલ્મ ક્ષેત્રે એક દયાળુ વ્યક્તિ અને મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમના જવાથી એક યુગનો અંત આવ્યો છે. સંગીત ઉદ્યોગમાં સર્જાયેલી ખાઈને ભરી શકાય તેમ નથી.
લતા મંગેશકરને કોરોનાનો ચેપ લાગતા 9 જાન્યુઆરીની રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેને ન્યુમોનિયા થયો હતો. લતા મંગેશકર કોરોનાથી સાજા થયા હતા, પરંતુ ફરી તે બીમાર પડી ગયા હતા અને તેમનું નિધન થયું હતું. તેમના પર 29 દિવસ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી.