ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022
સોમવાર.
વર્ષોથી દેશવાસીઓ ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં રામ મંદિર કયારે બનશે અને તેમા રામલલ્લા કયારે બિરાજમાન થશે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે બહુ જલદી તેમની આતુરતા નો અંત આવે એવી શકયતા છે. અયોધ્યા જિલ્લામાં રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક રવિવારે સમાપ્ત થઈ હતી, તેમાંથી બહાર આવેલી માહિતી મુજબ 2023 સુધીમાં ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થઈ જશે એ મુજબ કામ ચાલી રહ્યું છે.
બે દિવસ ચાલેલી આ બેઠકમાં રામમંદિરના નિર્માણ કાર્યને ઝડપી બનાવવાની સાથે ભક્તોની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
રામ મંદિરના પરિસરને અભેદ્ય કિલ્લામાં બદલવા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રામજન્મભૂમી સંકુલની સાથે સમગ્ર અયોધ્યા ધામને અત્યાધુનિક સુરક્ષા સાધનોથી સજ્જ કરવામાં આવવાનું છે. આ દરમિયાન, જન્મભૂમિ સંકુલમાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે, જેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ એક ન્યુઝ ચેનલને આપેલી માહીતી મુજબ મંદિરનું નિર્માણ કાર્યની પ્રગતિએ ચાલી રહ્યું છે. જન્મસ્થળ પર પ્લીન્થના બાંધકામમાં ગ્રેનાઈટના પથ્થરો લગાવવામાં આવી રહ્યા છે.રાજસ્થાનના બંસી પહારપુરના 17000 ગ્રેનાઈટ પથ્થરો મંદિરના નિર્માણ માટે જન્મભૂમિ સંકુલમાં લાવવામાં આવ્યા છે. હાલમાં રામજન્મભૂમિ પર પ્લીન્થના પ્રથમ સ્તરનું કામ ચાલી રહ્યું છે, જેમાં દરરોજ 20 થી 25 પથ્થરો લગાવવામાં આવી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શ્રી રામ ભક્તોને વચન આપ્યું છે કે વર્ષ 2023માં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. તેમજ અયોધ્યા ધામમાં આવનારા ભક્તો રામલલાના દર્શન તેમના મંદિરમાં જ કરી શકશે.