ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઓક્ટોબર, 2021
સોમવાર
કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોને લઈને પહેલેથી જ વાદવિવાદ છેડાયો હતો. કેરળના એક નાગરિકે પણ વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકાર રસીનો પુરવઠો ઉપલબ્ધ કરી શકી નહીં તો પ્રમાણપત્ર પર ફોટો છાપીને શ્રેય લેવાનો અધિકાર મોદીને નથી. કોરોનાની રસી માટે અમે રૂપિયા ખર્ચ કરીએ અને સર્ટિફિકેટ ઉપર વડાપ્રધાનનો ફોટો? આવો સવાલ કરીને આ કેરળના નાગરિકે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
આરટીઆઇ કાર્યકર્તા પીટર મ્યાલીપરાલિંબે હાઇકોર્ટમાં યાચિકા કરી છે કે વેક્સિનેશન સર્ટિફિકેટ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવવામાં આવે. આ મુદ્દો હવે ન્યાયાલયના રડાર ઉપર આવ્યો છે. પીટર કોર્ટમાં પોતાનો મત માંડતા કહ્યું હતું કે વ્યક્તિગત વેક્સિનેશન સર્ટિફિકેટ ઉપર મોદીનો ફોટો છાપવો એટલે કે અમારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. સરકારી રસીકરણ કેન્દ્રો ઉપર રસી મળી નહીં તેથી અમને નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં 750 રૂપિયા ખર્ચીને રસી લેવી પડી.
રિક્ષાચાલકો માટે કોરોના બન્યો કાળ સમાન, જાણો કેટલી રિક્ષાઓ ઓછી થઈ
આરટીઆઇ કાર્યકર્તા પીટરે અમેરિકા ઈન્ડોનેશિયા, ઇઝરાયલ,કુવૈત, ફ્રાન્સ અને જર્મની દેશોના રસીકરણ સર્ટિફિકેટની કોપી હાઈકોર્ટમાં રજૂ કરી હતી અને કહ્યું હતું કે અન્ય દેશોના પ્રમાણપત્ર ઉપર વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો ફોટો છાપવામાં આવ્યો નથી. ફક્ત ભારત દેશમાં જ 'વન મેન શો' નો દેખાડો કરાઈ રહ્યો છે. આ મોદીની પ્રસિદ્ધિનું અભિયાન છે. તેવો આરોપ યાચિકામાં કરાયો છે.