News Continuous Bureau | Mumbai
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે જ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો શરમજનક દેખાવ રહ્યો છે. શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે ગોવામાં અનેક સભાઓ ગજવી હતી. છતાં ગોવા અને ઉત્તર પ્રદેશમાં શિવસેના અને એનસીપીનો કારમો પરાજય છે. અનેક ઉમેદવારોની ડિપોઝિટ સુધ્ધા ગુલ થઈ ગઈ છે, જે શિવસેના માટે આંચકાજનક છે.
ગોવામાં ખરા અર્થમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. જોકે તેમાં શિવસેના અને એનસીપીએ પણ ઝુકાવ્યું હતું. બંને પક્ષોએ ગોવામાં જોરદાર પ્રચાર કર્યો હતો. રાજ્યના પર્યાવરણ પ્રધાન અને યુવા નેતા આદિત્ય ઠાકરેએ ગોવાની કમાન સંભાળી હતી. તેમના સહિત સંજય રાઉતે ગોવામાં ચૂંટણી પહેલા અનેક સભાઓ ગજવી હતી. શિવસેના માટે ગોવા માં ખાતું ખોલાવવું બહુ આવશ્યક હતું. જોકે શિવસેના તેમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : PM મોદીની ચિંતા વધી, આ રાજ્યમાં જીતીને પણ ભાજપને થયું ભારે નુકસાન; મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામુ
શિવસેના અને એનસીપીના એક પણ ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શક્યા નહોતા. ત્રણ આંકડાથી વધુ મત સુદ્ધા તેઓ મેળવી શક્યા નહોતા. તેમાં પણ ભાજપના ઉમેદવાર અને ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત સામે શિવસેનાના ઉમેદવારને માત્ર 97 મત મળ્યા હતા. આ બેઠક માટે આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે ભારે મહેનત કરી હતી અને અનેક સભાઓ યોજી હોવાનું કહેવાય છે. છતાં તેઓ પોતાના ઉમેદવારને મત અપાવવામાં સફળ રહ્યા નહોતા.