ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્ર સરકારે દસમા ધોરણની પરીક્ષા રદ કરી શાળાઓ દ્વારા લેવામાં આવેલી ધોરણ 9 અને 10ની પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ગુણ આપવાની પદ્ધતિ અમલમાં મૂકી હતી. ઉપરાંત રિઝલ્ટ ૧૫ જુલાઈની આસપાસ જાહેર થશે એમ જણાવ્યું હતું. હવે સંભાવના છે કે રિઝલ્ટ આવતાં વધુ સમય લાગશે.
ઉપલબ્ધ માહિતી અનુસાર હજી પણ મુંબઈમાં રિઝલ્ટનું ૧૭ ટકા કામ બાકી છે. બીજી તરફ રાજ્યમાં કુલ લગભગ ૧૦ ટકા જેટલું કામ બાકી છે. આ કામ પૂર્ણ કરવા માટે ૩૦ જૂન સુધીની સમયસીમા આપવામાં આવી હતી. જે ગઈકાલે સમાપ્ત થઈ છે, પરંતુ હજી કામ પ્રમાણમાં ઘણું બાકી છે. આ કારણે શક્યતા વર્તાઈ રહી છે કે પરિણામ લંબાશે.
ઉલ્લેખનીય છે કે આ કામ શાળાઓએ કરવાનું હતું, પરંતુ શિક્ષકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી ન મળતાં કામ ખોરવાયું હતું. ડેટા ભરવા માટે આપવામાં આવેલી લિન્ક ઘણીવાર ચાલતી ન હોવાને કારણે પણ આ કામ અવરોધાયું છે.