ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જુલાઈ 2021
બુધવાર.
લોકલ ટ્રેનમાં પ્રતિબંધ હોવાથી બસમાં કલાકોના કલાક પ્રવાસ કરી સ્કૂલે પહોંચનારા શિક્ષકોની હાડમારીનો અંત જ નથી આવી રહ્યો. દસમાનું રિઝલ્ટ તૈયાર કરવાની સાથે જ હવે ચૂંટણીનાં કામ પણ તેમના માથે નાખવામાં આવ્યાં છે. દસમાનાં રિઝલ્ટનું અથવા ચૂંટણીનું કામ નકારનારા શિક્ષકોની સામે આકરાં પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે. એથી નાછૂટકે શિક્ષકોને આ કામ કરવાં જ પડશે.
આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી છે. એથી ચૂંટણી પંચે શિક્ષકોને મતદારયાદી તૈયાર કરવાનું કામ સોંપ્યું છે. જોકે હાલ દસમાના રિઝલ્ટમાં રહેલી ત્રુટીઓ સુધારવાનું કામ ચાલી રહ્યું છે. એ સાથે સ્કૂલમાં ઑનલાઇન ભણાવાનું કામ પણ તેઓ કરી રહ્યા છે. એ સિવાય વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા તેમ જ પ્રશાસકીય કામ પણ શિક્ષકોને સોંપવામાં આવ્યા છે. પહેલાંથી સ્કૂલના કામનું દબાણ અને હવે ચૂંટણીનું કામ તેમના પર નાખવામાં આવ્યું છે.
જે શિક્ષકો આ કામ માટે પહોંચી શક્યા નથી, તેમને ચૂંટણી પંચે પગલાં લેવા બાબતે નોટિસ આપી છે. આટલું ઓછું હોય એમ અમુક જગ્યાએ શિક્ષકોને કોવિડ વેક્સિન સંદર્ભના કામ પણ સોંપવામાં આવ્યા છે.
આઘાતજનક સમાચાર : દિલ્હીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીના પત્નીની હત્યા થઈ.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે શિક્ષકોને રિઝલ્ટ અને સ્કૂલનું કામકાજ ચાલી રહ્યું હોવાથી ચૂંટણી લગતાં કામ સોંપવા યોગ્ય નથી. ચૂંટણીનાં કામમાંથી તેમને રાહત આપો એવું કહ્યું હતું. છતાં શિક્ષકોની હાડમારીનો કોઈ અંત નથી.