ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
રાષ્ટ્રવાદી કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. સોમવારે મધરાત ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા અનિલ દેશમુખની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ધરપકડ કરી હતી. હવે આજે સવારે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારની 1000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની નોટિસ મોકલી છે. અજિત પવારને આ સંબંધે પાચ સંપત્તિ જપ્ત કરવાની નોટિસ મોકલવામાં આવી છે. તેથી ખળભળાટ મચી ગયો છે.
જપ્ત થનારી સંપત્તિમાં જરંડેશ્ર્વર સુગર ફેકટરી જેની માર્કેટ વેલ્યુ લગભગ 600 કરોડ રૂપિયા છે. સાઉથ દિલ્હીનો ફ્લેટ જેની માર્કેટ વેલ્યુ 20 કરોડ રૂપિયા છે. પાર્થ પવારની નિર્મલ ઓફિસ જેની માર્કેટ વેલ્યુ 25 કરોડ રૂપિયા છે. નિલય નામનો ગોવાનો રિસોર્ટ જેની બજાર કિંમત 250 કરોડ રૂપિયા છે. તો મહારાષ્ટ્રમાં 27 અલગ અલગ ઠેકાણે જમીન છે, જેની બજાર કિંમત 500 કરોડ રૂપિયા છે.
અજીત પવાર છેલ્લા અનેક મહિનાથી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રડાર પર હતા. ગયા મહિનામાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બે રિયલ એસ્ટેટ ગ્રુપ અજીત પવારના સંબંધીઓના ઘર અને ઓફિસ પર છાપા પણ માર્યા હતા. એ સમયે 184 કરોડ રૂપિયાની બે હિસાબી મિલકત મળી આવી હતી. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 7 ઓક્ટોબરે મુંબઈ, પુણે, બારામતી, ગોવા અને જયપૂર વગેરે સ્થળોએ 70થી વધુ ઠેકાણે છાપા માર્યા હતા. જેમાં અજીત પવારના પુત્ર પાર્થની માલિકીની કંપની પર પણ છાપો મારવામાં આવ્યો હતો.