ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્ર રાજ્યમાં બે લાખ સરકારી પદ ખાલી પડ્યાં હોવાની બાતમી સામે આવી છે. RTI ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ ફાઈલ કરેલી RTI ના જવાબમાં સરકારે આ માહિતી આપી છે.18 જૂન, 2021ના રોજ મહારાષ્ટ્ર સરકારને અરજી સુપરત કરી હતી, જેમાં મહારાષ્ટ્ર સરકાર હેઠળની તમામ કૅટેગરીમાં કુલ પદની સંખ્યા, મંજૂરીપ્રાપ્ત પદની સંખ્યા, ભરવામાં આવેલા પદ અને ખાલી પદ વિશે માહિતી માગવામાં આવી હતી.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 31 ડિસેમ્બર,2019 સુધી સરકાર અને જિલ્લા પરિષદ જૂથો A, B, C અને Dમાં પદો વિષે અનિલ ગલગલીને માહિતી આપવામાં આવી હતી. 29 સરકારી વિભાગો અને જિલ્લા પરિષદોમાં કુલ મંજૂર પદોની સંખ્યા 10,99,104 છે, જેમાંથી 8,98,911 પોસ્ટ ભરાઈ છે અને 2,00,193 જગ્યાઓ ખાલી છે. એમાં સરકારી કર્મચારીઓ માટેની 1,53,231 જગ્યાઓ અને જિલ્લા પરિષદ માટેની 40,944 જગ્યાઓ ખાલી છે.
કુલ 29 વિભાગમાંથી, 16 વિભાગની માહિતી 31 ડિસેમ્બર,2018 સુધી ઉપલબ્ધ છે. એમાં ગૃહ વિભાગના ચાર ખાતાં, મહેસૂલ અને વન વિભાગનાં ત્રણ ખાતાં, તબીબી શિક્ષણ અને ડ્રગ્સ વિભાગ, સામાજિક અને ન્યાય વિભાગ, શહેરી વિકાસ વિભાગ, કૌશલ વિકાસ અને ઉદ્યમવૃત્તિ વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, ભૂમિ અને જળ સંરક્ષણ, ગૃહ વિભાગ, લઘુમતી વિકાસ વિભાગનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આટલી મોટી સંખ્યામાં પદ ખાલી હોવાથી જનતાનું કામ ખોરવાય છે અને અને નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે.