ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧
ગુરુવાર
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથૉરિટી (મહારેરા)એ એક પરિપત્ર બહાર પાડી નવો આદેશ બહાર પાડ્યો છે. એ મુજબ હવે પછી ફ્લૅટ ખરીદવા આવતા લોકોને કેટલા બાંધકામની મંજૂરી મળી છે એ પણ જણાવવું પડશે. એકંદરે બિલ્ડરો માત્ર એટલું જ કહે છે કે તેમને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (CC) મળી ગયું છે અને એ અંગે બીજી કોઈ ચોખવટ કરતા નથી.
આ પરિપત્ર અનુસાર હવે CCમાંની તમામ વિગતો બિલ્ડરે જાહેર કરાવી પડશે. બિલ્ડરોએ હવેથી પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન વખતે જ ડિક્લેરેશન ફૉર્મ અને CC કેટલા તબક્કા સુધીના બાંધકામ માટે મળી છે એ સંબંધિત વિગતો અપલોડ કરવી પડશે. તેમ જ બિલ્ડરો જ્યારે વિવિધ પરમિશનો માટે અરજી કરે ત્યારે તેમણે ફ્લૅટ ખરીદદારોનાં નામ અને તેમની સહી સાથેનું ફૉર્મ પણ હવે યોગ્ય ફોર્મેટમાં સબમિટ કરવું પડશે. ઉપરાંત બિલ્ડરને પ્રોજેક્ટની કમ્પ્લિશન ડેટની મુદત પણ વધારવી હશે તો ૫૧ ટકા ફ્લૅટધારકોની મંજૂરી જોઈશે. આ માટે ફ્લૅટધારકનું નામ, ફ્લૅટ નંબર અને સહી હોવી જરૂરી છે.
આ પરિપત્રમાં જણાવાયું છે કે ઘણીવાર બિલ્ડરો લેઆઉટની મંજૂરી લઈ લે છે, પરંતુ ક્યારેક બીજી મંજૂરીઓ તબક્કાવાર લેવામાં આવે છે. કમેન્સમેન્ટ સર્ટિફિકેટ અમુક તબક્કા સુધી જ મળે છે. જેમ કે મુંબઈ મહાનગરપાલિકા ડેવલપરને દરેક તબક્કા પ્રમાણે પરિમશનો આપતી હોય છે. CCનો મતલબ બિલ્ડર પ્લિન્થ લેવલનું અથવા બહુમાળી ઇમારતનું પાંચ માળ સુધીનું જ બાંધકામ કરી શકે છે.