ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
દેશમાં દહેજ અંગે જાગરૂકતા અભિયાન અને કાયદો હોવા છતાં આ કુપ્રથા હજી સમાજમાં મોટાપાયે જોવા મળે છે. હવે દહેજનો એક કિસ્સો મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી પણ પ્રકાશમાં આવ્યો છે. જોકે આ કિસ્સો ખૂબ જ વિચિત્ર છે, અહીં દહેજમાં મોંઘી ભેટસોગાદો નહિ, પરંતુ લેબ્રાડોર ડૉગ અને ૨૧ નખવાળો દુર્લભ કાચબો માગવામાં આવ્યો છે. હવે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઔરંગાબાદના ઉસ્માનપુર પોલીસ સ્ટેશનમાં એક પરિવારે દહેજમાં 21 નખવાળો કાચબો અને લેબ્રાડોગની માગણી કરવાનો આરોપ મૂક્યો છે. આ કિસ્સામાંપોલીસે વરરાજા અને તેના પરિવાર સામે કેસ નોંધ્યો છે. માહિતી અનુસાર 10 ફેબ્રુઆરી, 2021ના રોજ સગાઈ થઈ હતી અને બંને બાજુએ નક્કી કર્યું હતું કે થોડા મહિના બાદ લગ્ન થશે, પરંતુ એ દરમિયાન છોકરાવાળાઓએ છોકરીની સામે દહેજમાં ઘણી માગ કરી હતી. વરરાજાનાં માતાપિતાને સગાઈમાં, 10 ગ્રામની ગોલ્ડ રિંગ અને બે લાખ રૂપિયા અને રોકડા આપવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે છોકરીના પિતાએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે એ દહેજ આપવાની વિરુદ્ધ છે, પરંતુ તેની દીકરીના સુખ માટે દહેજ આપવાનો નિર્ણય કર્યો હતો. સગાઈ પછી, વરરાજાના પરિવારે છોકરીના પિતા પાસે લેબ્રાડોર ડૉગ અને એકવીસ નખવાળા કાચબાની માગ કરી હતી. આ ઉપરાંત દીકરીને સરકારી નોકરી અપાવવા માટે 10 લાખની માગ કરી હતી. છોકરીના પિતા કહે છે કે લગ્નની આવી માગ સાંભળતાં જ તે પરેશાન થયા હતા અને પોલીસમાં આ લોભી લોકો સામે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.