ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
કોરોનાની ગંભીર પરિસ્થિતિને જોતાં એક ૧૨ વર્ષની છોકરીએ દિલ્હી હાઈ કોર્ટમાં વેક્સિન અંગે એક અરજી દાખલ કરી છે. દિલ્હી હાઈકોર્ટ આજે ૧૨ વર્ષીય ટિયા ગુપ્તાની આ અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં કેન્દ્ર અને દિલ્હી સરકારને દિલ્હીમાં ૧૨-૧૭ વર્ષની વયનાં બાળકોને રસી આપવાની માગ કરવામાં આવી છે.
ટીયા ગુપ્તા વતી ઍડ્વોકેટ અભિનવ મુખર્જીએ દાખલ કરેલી અરજીમાં એવી પણ માગ કરવામાં આવી છે કે ૧૭ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં માતા-પિતાને રસી આપવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંઘની ખંડપીઠ સમક્ષ સૂચિબદ્ધ અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સહિત દેશભરમાંથી મળેલા આંકડા દર્શાવે છે કે કોરોનાથી ચેપગ્રસ્ત યુવાનોની સંખ્યામાં એપ્રિલ ૨૦૨૧ અને મે ૨૦૨૧ની વચ્ચે મોટો વધારો થયો છે. અરજીમાં ઉમેરાયું છે કે “મહામારીમાં માતા-પિતાનાં મોતને કારણે ઘણાં બાળકો અનાથ થઈ ગયાં હોવાના પણ અહેવાલો છે. કોવિડ-૧૯ સામેની ભારતની રસીકરણ નીતિ સમાજના નબળા વર્ગનાં બાળકો અને માતા-પિતા માટેના વાયરસ સામે નિષ્ફળ ગઈ છે.”
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, પણ મૃત્યુ આંક ચિંતાજનક ; જાણો આજના નવા આંકડા
ઉપરાંત અરજીમાં વકીલે કહ્યું હતું કે બંને સરકારો વચ્ચેના આક્ષેપોને પરિણામે લોકોને મુશ્કેલી ન થવી જોઈએ. તેમણે દલીલ કરી હતી કે દિલ્હી સરકાર દાવો કરે છે કે તેણે કેન્દ્ર પાસે રસીના ૧૩.૪ મિલિયનથી વધુ ડોઝ મગાવ્યા છે. એ જ સમયે કેન્દ્રે દાવો કર્યો છે કે આવા કોઈ આદેશ આપવામાં આવ્ય નથી.