ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
ગુજરાતના દહેગામ તાલુકાના ગલાજીની મુવાડીમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. આમાં એક નાગણે ડંખ મારિ કાકી-ભત્રીજીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અગાઉ ત્રણ દિવસ પૂર્વે અહીં એક નાગ ઘૂસી આવ્યો હતો, જેને ગ્રામજનોએ પકડી અને મારી નાખ્યો હતો. હવે લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ત્રણ દિવસ પહેલાં મરેલા નાગનો બદલો લેવા નાગણે આ બે લોકોનો ભોગ લીધો છે.
આ ઘટના ૧૦ જૂન ગુરુવારની છે, 35 વર્ષીય સુરેખાબહેન સોલંકી સવારે 6 વાગ્યાના સુમારે ઘરની બાજુમાં લાકડાં ભેગાં કરતાં હતાં. આ સમયે ડાબા પગની આંગળીએ આ નાગણે તેમને દંશ માર્યો હતો, જેને પગલે તેમને તાત્કાલિક દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. ફરજ બજાવી રહેલા ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. ઉપરાંત મૃતક સુરેખાબહેનના જેઠ રણજિતસિંહની 7 વર્ષની દીકરી અનુ ઘર પાસે રમી રહી હતી અને નાગણે તેને પણ ડાબા પગની જ આંગળીએ દંશ માર્યો હતો. જેણે કારણે આ દીકરીનું પણ મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મૃતક સૂર્યબહેન સોલંકીના પતિ પ્રહ્લાદજીનું છ મહિના પહેલાં અન્ય બીમારીને કારણે મોત થયું હતું. માતાના અચાનક મોતને પગલે ત્રણે બાળકોએ છ મહિનાના ગાળામાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે.