ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ રાજકીય વાતાવરણ બરોબરનું તપેલું છે. આ પ્રકરણની નોંધ હવે દિલ્હી સ્તરે પણ લેવામાં આવી છે. હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ પૂરા પ્રકરણમાં એન્ટ્રી કરી છે. તેમણે નારાયણ રાણેને ફોન કરીને પૂરા પ્રકરણ બાબતે વિસ્તૃત માહિતી મેળવી છે. એને કારણે શિવસેનામાં હડકંપ મચી ગયો છે. શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉત તાત્કાલિક ધોરણે ભુવનેશ્વરથી મુંબઈ દોડી આવ્યા હોવાનું માનવામાં આવે છે.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા દાખલ ; જાણો વિગતે
નારાયણ રાણેની ધરપકડને ભાજપે રાષ્ટ્રીય મુદ્દો બનાવી નાખ્યો છે, પરંતુ હજી સુધી એના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. જોકે હવે અમિત શાહે રાણેની ધરપકડને લઈને પૂરી માહિતી મેળવી છે. એથી શિવસેનાની સાહજિક રીતે ચિંતા વધી ગઈ છે. શિવસેનાએ ઉદ્ધવ ઠાકરે માટે નારાયણ રાણેએ ઉચ્ચારેલા અપશબ્દોના પ્રકરણને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી નાખ્યો હતો. એથી હવે ભાજપે પણ આ પૂરા પ્રકરણને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે અને ભાજપે રાણેને સમર્થન આપ્યું છે.