ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જુલાઈ 2021
ગુરુવાર.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણના નામે હોમ મિનિસ્ટ્રીનું ખાતું સંભાળી રહેલા અમિત શાહને કૉ-ઑપરેશન મિનિસ્ટરી ખાતાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અમિત શાહને કૉ-ઑપરેશન મિનિસ્ટ્રી ખાતું આપવાને કારણે મહારાષ્ટ્રમાં રાજકીય સ્તરે અનેક ઊથલપાથલ થવાની શક્યતા વર્તાઈ રહી છે. કૉ-ઑપરેશન મિનિસ્ટ્રી ખાતા હેઠળ સહકારી બૅન્કો અને સુગર મિલ આવે છે. મોદી સરકારના આ નિર્ણયને કારણે વર્ષોથી મહારાષ્ટ્રમાં સહકારી બૅન્કો અને સુગર ફૅક્ટરી પર પ્રભુત્વ ધરાવતી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ માટે આગામી દિવસો કપરા સાબિત થઈ શકે છે એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
હવે અમિત શાહને કૉ-ઑપરેશન ખાતાની મિનિસ્ટ્રી આપવાથી તમામ સહકારી બૅન્કો અને સુગર ફૅક્ટરી અમિત શાહના રડાર પર આવી જશે. એથી આગામી દિવસોમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ સામે બીજી મુસીબતો ઊભી થાય એવી શક્યતા વર્તાઈ રહી છે. અહીં મજાની વાત એ છે કે આ ખાતું અત્યાર સુધી હતું જ નહીં, પણ ભારે સમજી વિચારીને નવું ખાતું ઊભું કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ ખાતા હેઠળ સહકારી બૅન્કો તથા સુગર ફૅક્ટરી વગેરેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સુગર ફૅક્ટરી તથા સહકારી બૅન્કોમાં મોટા પાયા પર રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનું વર્ચસ્વ છે. અમિત શાહને આ ખાતું આપ્યા બાદ આગામી સમયમાં સહકારી બૅન્કો તથા સુગર ફૅક્ટરીઓમાં રહેલાં કૌભાંડો બહાર લાવવાનો ઇરાદો ભાજપ સરકારનો હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ બીજી કોઈ રીતે ઝૂકી શકે એમ નથી એથી એને આર્થિક રીતે જ દબાવી શકાય એવું ભાજપના એક જાણીતા નેતાએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં શિવસેના સાથે યુતિ તૂટી ગયા બાદ સત્તા હાથમાંથી જતી રહેવાનું ભાજપ હજી સુધી પચાવી શકી નથી. યેન કેન પ્રકારેણ મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસની બનેલી મહા વિકાસ આઘાડીને સરકારને તોડી પાડવાના પ્રયાસ ચાલતા જ હોય છે. લાંબા સમયથી મહારાષ્ટ્રમાં શિવસેના તથા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતાઓની ED સહિત અનેક કેન્દ્રીય સરકારી એજેન્સીઓની મદદથી તપાસને નામે હેરાન કરવામાં આવી રહી હોવાની ફરિયાદ આ પક્ષના નેતાઓ કરી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર અનિલ દેશમુખની વાઝે પ્રકરણ સહિત હપ્તા વસૂલી સહિતના કેસમાં ED તપાસ ચાલી રહી છે. એમાં બીજા અન્ય નેતાઓનો પણ સમાવેશ થાય છે. ભાજપ છોડી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં ગયેલા એકનાથ ખડસેના જમાઈની EDએ ધરપકડ કરી છે.