ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ કૅબિનેટ વિસ્તરણ ૭ જુલાઈ અથવા 9 જુલાઈએ થશે એવા સંકેત મળી રહ્યા છે. આ વિસ્તરણમાં શિવસેનાને સમાવવા માટે હિલચાલ શરૂ થઈ ગઈ છે. ભાજપે 'બિહારી પૅટર્ન' પ્રમાણે મહારાષ્ટ્રમાં સત્તા બદલવાની કોશિશ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ થવાની સંભાવના છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાનપદ આપી અને બે નાયબ મુખ્ય પ્રધાનપદ પોતાની પાસે રાખવાની યોજના ભાજપે ઘડી છે. હવે શિવસેના આ વિસ્તરણમાં સાથે હશે કે કેમ એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આ બેઠક બાદ શિવસેનાના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તાજેતરમાં જ દિલ્હીની મુલાકાતે ગયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓની એક કલાક સુધી ક્લોઝ ડૉર મિટિંગ થઈ હતી. એ સમયથી જ એવી અટકળો છે કે બંને પક્ષોએ ફરી જોડાવાની ચર્ચા કરી હતી. મીડિયા સૂત્રો મુજબ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન સાથે ગઠબંધનની સીધી ચર્ચા કરી હતી અને કેટલાક મુદ્દે સમાધાન થયું હતું. ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે મુખ્ય પ્રધાનને પત્ર લખીને કૉન્ગ્રેસ અને NCP પર શિવસેનાના ભાગલા પાડવાનો આરોપ લગાવતાં ભાજપની નજીક આવવાની વિનંતી કરી હતી. આ પત્રો પણ ખૂબ જ કુશળતાથી લખાયેલા હતા.
રાજકીય સૂત્રો એમ પણ કહે છે કે આ તમામ ઘટનાઓ ભાજપ-શિવસેનાને સાથે રાખવા માટે ગોઠવાઈ હતી. ભાજપે હવે શિવસેનાને સાથે રાખવા મુખ્ય પ્રધાનપદ છોડવાનો નિર્ણય લીધો છે. ભાજપે આ માટે નવી ફૉર્મ્યુલા તૈયાર કરી છે. આ ફૉર્મ્યુલા મુજબ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસને રાષ્ટ્રીય રાજકારણમાં લાવવામાં આવશે અને તેમને દિલ્હીમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે. ભાજપે શિવસેના સાથે બે ઉપમુખ્ય પ્રધાનપદ અને એક મોટા વિભાગ સાથે સમાધાન માટે એક સૂત્ર ઘડી કાઢ્યું છે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં લાલુને જેલની સજા મળતાંની સાથે જ નીતીશકુમારે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને સત્તામાં આવ્યા હતા. કાર્યકાળ પૂરો કર્યા બાદ જેડીયુ ફરીથી ભાજપ સાથે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં નીતીશકુમારને ઓછી બેઠકો મળી હતી. જોકેસંમત થયેલી ફૉર્મ્યુલા મુજબ ભાજપે નીતીશકુમારને મુખ્ય પ્રધાન આપી અને બે નાયબ મુખ્ય પ્રધાનપદ ભાજપે જાળવી રાખ્યાં છે. મહારાષ્ટ્રમાં સમાન બિહારી પૅટર્ન લાગુ કરવા હિલચાલ ચાલી રહી છે.