News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના બહરાઈચના વિશ્વેશ્વરગંજની એક કિશોરીને ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતાના બહાને ફસાવીને પોતાની સાથે લઈ જવાના આરોપમાં બિહારની રહેવાસી યુવતીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ સૂત્રોએ બુધવારે જણાવ્યું કે, બિહારના રોહતાસ જિલ્લાના તુમ્બા વિસ્તારની રહેવાસી 20 વર્ષીય જોવા ઉર્ફે તબસ્સુમ ફાતિમાએ લગભગ ચાર વર્ષ પહેલા વિશ્વેશ્વરગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગંગવાલની એક 16 વર્ષની યુવતી સાથે સોશિયલ મીડિયા એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. બાદમાં તેણી તેને પોતાની સૌથી સારી મિત્ર કહેવા લાગી. થોડા દિવસો પહેલા તબસ્સુમ કિશોરીના ગામમાં પહોંચી અને તેને પટાવીને પોતાની સાથે બિહાર લઈ ગઈ.
અપહરણના આરોપમાં કેસ દાખલ
સૂત્રોએ જણાવ્યું કે, 16 માર્ચે યુવતીના પિતાની ફરિયાદ પર પોલીસે અપહરણના આરોપમાં કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. અપહ્યત અને કથિત અપહરણકર્તા એક જ સમુદાયની છે. તેમણે કહ્યું કે મહિલા પોલીસ કર્મચારીઓ સહિત એક પોલીસ ટીમ બિહાર મોકલવામાં આવી. બિહાર પોલીસની મદદથી રોહતાસ જિલ્લાના તુમ્બા માં જોવા ઉર્ફે તબસ્સુમના કબજામાંથી અપહરણ કરાયેલી છોકરીને છોડાવવામાં આવી અને બંનેને બહરાઈચ લાવવામાં આવી.
આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનમાં 6.6 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી સહિત ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં જોરદાર ઝાટકા, આટલા લોકોના નિપજ્યા મોત
કિશોરીને પરિવારને સોંપવામાં આવી
મંગળવારે આરોપી યુવતીની ધરપકડ કરીને જેલ મોકલી દેવામાં આવી છે. જ્યારે અપહરણ કરાયેલી કિશોરીનો મેડિકલ ટેસ્ટ કરાવીને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, તબસ્સુમે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે ફરવાના હેતુથી કિશોરીએ જ તેને ફોન કરીને બિહારથી બહરાઇચ બોલાવી હતી અને મિત્ર હોવાને કારણે તે તેને પોતાની સાથે ફરવા લઈ ગઈ હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ તે માનવ તસ્કરીનો મામલો જણાતો નથી, તેમ છતાં પોલીસ આ મામલાના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે.