News Continuous Bureau | Mumbai
અઢળક કુદરતી સૌર્દ્યના સાંનિધ્યમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું પ્રદ્યુમન પાર્ક ઝૂ સૌરાષ્ટ્રના સહેલાણીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ મેંગલોર અને પૂના ઝૂ ખાતેથી અલગ-અલગ પ્રકારના 28 પ્રાણીઓને રાજકોટ ઝૂ ખાતે લાવવામાં આવ્યા છે. વાતાવરણ સાથે સેટ થઇ જાય તે માટે તમામને હાલ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં દિપડો, જંગલી શ્ર્વાન, અજગર અને ઝરખ સહિતના પ્રાણીઓને સહેલાણીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ અને બાગ બગીચા તથા ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા એક એશિયાઇ સિંહ, ભારતીય વરૂની એક જોડી, શિયાળની એક જોડી, કોમ્બડક પક્ષીની એક જોડી, સિલ્વર ફિઝન્ટ પક્ષીની એક જોડી, ફિન્ચ પક્ષીની ચાર જોડી અને ગોલ્ડન ફિઝન્ટ નર પક્ષી મેંગલોર સ્થિત પિલીકુલ્લા ઝૂને આપવામાં આવ્યા છે. જેની સામે પિલીકુલ્લા ઝૂ પાસેથી ભારતીય ઢોલ (જંગલી કૂતરા)ની બે જોડી, માદા દિપડો, પામ સિવેટ કેટની બે જોડી, રેટીક્યુલેટેડ પાયથન (સાપ)ની એક જોડી, રસેલ્સ વાઇપર (સાપ)ની એક જોડી અને મોન્ટેન ટ્રીકેન્ટ (સાપ)ની બે જોડી, ગ્રીન વાઇન સ્નેક (સાપ)ની એક જોડી, રેડ સ્નેક (સાપ)ની એક જોડી, વ્હીટેરસ બોઆ (સાપ)ની બે જોડી રાજકોટ ઝૂને આપવામાં આવી છે. આ ઉપરાંત પૂનાના રાજીવ ગાંધી જીઓ લોજીકલ પાર્કને રાજકોટ ઝૂ દ્વારા ભારતીય વરૂ નર એક અપાયો છે. જેની સામે એક નર ઝરખ રાજકોટ લાવવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: FICCI Flo ના પૂજા આરંભન ઉપપ્રમુખ બન્યા (ફીક્કી ફ્લો), મહિલા સશક્તિકરણની દિશામાં ઉભરતું નેતૃત્વ.