News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના સાંસદ સુરેશ ધાનોરકર ઉર્ફે બાલુભાઈ ધાનોરકરનું મંગળવારે સવારે નિધન થયું. તેઓ મહારાષ્ટ્રના એકલા કોંગ્રેસના લોકસભા સાંસદ હતા અને 2019ની ચૂંટણીમાં ચંદ્રપુર બેઠક પરથી જીત્યા હતા. કીડની સ્ટોનની બિમારીથી પીડિત ધનોરકર દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જણાવી દઈએ કે તેમના પિતા નારાયણ ધનોરકરનું બે દિવસ પહેલા નિધન થયું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અતુલ લોંધે પાટીલે ટ્વીટ કર્યું કે ધાનોરકરના પાર્થિવ દેહને મંગળવારે બપોરે દિલ્હીથી વરોરા લાવવામાં આવશે.
પાટીલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ચંદ્રપુરના સાંસદ બાલુભાઈ ધાનોરકરની તબિયત બગડતાં તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે ધાનોરકરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. પાટીલે કહ્યું કે તેમના મૃતદેહને દિલ્હીથી તેમના વરોરા નિવાસસ્થાને લાવવામાં આવશે, અને 31 મેના રોજ સવારે 11 વાગ્યે વાની-વરોરા બાયપાસ રોડ પર મોક્ષધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે માત્ર 48 વર્ષની ઉંમરે તેમણે એક કટ્ટર શિવસૈનિકથી લઈને લોકસભા સાંસદ સુધીની સફર કરી હતી.
આ સમાચાર પણ વાંચો: દિલ્હીમાં કિશોરીની ઘાતકી હત્યા, ચાકુથી 34 સેકન્ડમાં માર્યા 20 ઘા, હત્યારો સાહિલ અહીંથી ઝડપાયો
ધાનોરકરના પત્ની કોંગ્રેસના ધારાસભ્ય
પાટીલે ટ્વીટમાં કહ્યું કે ધનોરકર ચંદ્રપુર જિલ્લાના ભદ્રાવતી ગામના રહેવાસી છે. 2014માં બાલુ ધાનોરકર શિવસેનાની ટિકિટ પર પહેલીવાર વિધાનસભા પહોંચ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણી પહેલા ધાનોરકર શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને લોકસભાની ટિકિટ આપી હતી. ધાનોરકરે ચંદ્રપુર લોકસભા બેઠક જીતી અને તે 2019ની ચૂંટણીમાં રાજ્યમાં કોંગ્રેસની એકમાત્ર લોકસભા બેઠક રહી. ત્યારપછીની વિધાનસભા ચૂંટણીમાં, ધનોરકરની પત્ની પ્રતિભાએ કોંગ્રેસની ટિકિટ પર વરોરા-ભદ્રાવતી બેઠક જીતી હતી.