ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મહાડ કોર્ટે જામીન આપ્યા છે.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને જામીન મળતા જ ભાજપે મહત્વની જાહેરાત કરી છે.
ભાજપના નેતા પ્રવીણ દારેકરે જણાવ્યું કે, નારાયણ રાણે એક દિવસ આરામ કરશે અને ગુરુવાર એટલે કે 24 ઓગસ્ટથી ‘જન આશીર્વાદ યાત્રા’ શરૂ કરવામાં આવશે.
અગાઉ પોલીસે રાણેની ધરપકડ બાદ તેમને રાયગઢ જિલ્લાની મહાડ સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટમાંથી રાણેના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,રાણેના વિવાદાસ્પદ નિવેદન સામે પુણે, નાસિક અને મહાડમાં કેસ નોંધાયા છે. પુણે અને નાસિક પોલીસે તેની ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું. જેમાં ધરપકડ ટાળવા માટે રાણેએ રત્નાગિરિ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.
આપને જણાવવું રહ્યુ કે, રાણેએ મહારાષ્ટ્રમાં જન આશિર્વાદ યાત્રા શરૂ કરી ત્યાર થી અત્યાર સુધીમાં તેમની સામે 49 FIR નોંધવામાં આવી છે. જો કે, આમાંના મોટાભાગના કેસો કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ નોંધવામાં આવ્યા છે.