ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
મુંબઈમાંથી કોરોના રસીને લઈને એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને મેડિકલ પ્રોફેસરના પિતાએ ૧૦૦૦ કરોડના વળતરની માગ કરી છે. અરજીમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રીનું મોત કોરોનાની વેક્સિનની આડઅસરને કારણે થયું છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પિતાએ દાવો કર્યો છે કે, તેમની પુત્રીનું મોત કોવિશિલ્ડ રસીની આડઅસરને કારણે થયું છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતા આ પીડિત પિતા દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, તેમની પુત્રી મેડિકલની વિદ્યાર્થીની હતી. કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે અને તેનાથી શરીર પર કોઈ ખોટી અસર થતી નથી. આ કારણે પોતે હેલ્થ વર્કર હોવાને કારણે તેણે પોતાની કોલેજમાં રસીનો ડોઝ લીધો હતો. પરંતુ રસીનો ડોઝ લીધા બાદ તેની હાલત વધુ બગડી અને અંતે તેનું મૃત્યુ થયું.
મુંબઈ મહાનગરપાલિકાનું શિક્ષણ વિભાગનું બજેટ થયું રજૂ, એજ્યુકેશન માટે પાલિકાએ આટલા કરોડ ફાળવ્યા
મેડિકલ કોલેજની સ્ટુડન્ટના પિતાના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીએ ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધો હતો અને ૧ માર્ચના રોજ તેનું અવસાન થયું હતું. પીડિતાના પિતાના કહેવા પ્રમાણે, તેમની પુત્રીનું મૃત્યુ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રસી ઉત્પાદક સીરમ સંસ્થાની ભૂલને કારણે થયું છે. તેથી, કોર્ટે સીરમ ઇન્સ્ટિટ્યૂટને તેમના નુકસાન માટે વળતર તરીકે એક હજાર કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવો જાેઈએ. તેમણે પોતાની અરજીમાં એમ પણ કહ્યું છે કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) અને AIIMSએ રસીની બિન-આડઅસર વિશે ખોટી માહિતી આપી હતી અને રાજ્ય સરકારે પણ તેની તપાસ કર્યા વિના રસી આપી હતી.
તેમનું કહેવું છે કે પોતાની પુત્રીને ન્યાય મેળવવા અને અન્ય લોકોના જીવ બચાવવા માટે આ અરજી દાખલ કરી છે. તેમની માંગ છે કે સરકારે સ્વીકારવું જોઈએ કે તેમની પુત્રીને ખોટી માહિતી આપીને રસી આપવામાં આવી હતી. તે જ સમયે, તેમણે એવો પણ દાવો કર્યો છે કે ગૂગલ, યુટ્યુબ, મેટા જેવી કંપનીઓ રસીના કારણે મૃત્યુના સાચા આંકડા જાહેર કરી રહી નથી. તેથી કોર્ટે કેન્દ્ર સરકારને આ કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ આપવો જાેઈએ.