News Continuous Bureau | Mumbai
જુનાગઢ ગીર અને ગિરનાર જંગલ સફારી માટે વન વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે કે હવે જંગલ સફારી બંધ કરવામાં આવશે. આમ તો સત્તાવાર 16 જૂનથી જંગલ સફારી બંધ થવાની હતી. પરંતુ, વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને લઈ ત્રણ દિવસ અગાઉ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બિપરજોય વાવાઝોડાને લઈ વન વિભાગ દ્વારા ગીર જંગલોમાં સફારી પાર્ક બંધ કરવામાં આવ્યા છે. વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ જુનાગઢ જિલ્લાના વન વિભાગ દ્વારા સાસણ તેમ જ દેવળિયા ગિરનાર સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક અને ઝૂ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈ સિંહોની સલામતી માટે વિન વિભાગ દ્વારા વિશેષ ટીમ તહેનાત કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લામાં 21 જેટલા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે.
ઉપરાંત, ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ત્યારે જુનાગઢ, અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર, તુલસીશ્યામમાં સિંહો પર વન વિભાગ દ્વારા નજર રાખવામાં આવશે. પોરબંદર, માધવપુર સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પણ સિંહનું વસવાટ છે, જેને લઇ સિંહોના વસવાટવાળા વિસ્તારમાં વન વિભાગની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. તેમ જ લાઈન એમ્બ્યુલન્સ રિસ્ક્યૂ કરનારી ટીમ સાથે વન વિભાગ ખડે પગે રહેશે. તેવું સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..
જુનાગઢ વન વિભાગ હેઠળ ગિરનારમાં સાસણની જંગલ સફારી અને ગિરનાર નેચર સફારી આજ સવારથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. ગીર અને ગિરનારની જંગલ સફારીનું આજથી ચાર માસ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે ચોમાસાના ચાર મહિના જંગલ સફારી બંધ કરવામાં આવતી હોય છે, જે હવે 16 ઓક્ટોબરથી ફરી બંને સફારી પ્રવાસીઓ માટે ધમધમતી કરાશે. આ રીતે દર વખતે ચાર મહિના માટે બંધ કરવામાં આવતી સફારી ત્રણ દિવસ અગાઉ વન વિભાગ દ્વારા બંધ કરી દેવાઈ છે, જેનું કારણ એક માત્ર ગીર અને ગિરનારમાં અનરાધાર વરસાદ અને ભારે પવનની પરિસ્થિતિને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે.
સીસીએફ આરાધના સાહુંએ જણાવ્યું હતું કે, સફારીની સાથે સકરબાગ ઝૂ પણ બંધ કરવામાં આવ્યું છે. આમ વન વિભાગ હસ્તકના પ્રવાસીઓ માટેના ચાર સ્થળ જેવા કે ગીર નેશનલ પાર્ક, સફારી દેવડિયા પાર્ક, સફારી આંબરડી પાર્ક અને સકકરબાગ ઝૂ હાલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જો કે, વાવાઝોડાની આગાહી ખતમ થતા સકકરબાગ ઝૂ, દેવળિયા સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્ક શરૂ કરી દેવામાં આવશે. પરંતુ, સાસણ ગીર જંગલનું વેકેશન હોવાથી આ સફારી બંધ રખાશે. 16 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય વન વિભાગે કર્યો છે.