News Continuous Bureau | Mumbai
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેતો આપ્યા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં બુધવાર એટલે કે આવતીકાલથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ગુરૂવારના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તેમજ શુક્રવારે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં પણ માવઠું થવાની આગાહી કરવામાં આવી છે
આ ઉપરાંત આ વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બુધવારના રોજ બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. તો ગુરૂવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં તેમજ શુક્રવારના રોજ ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈથી પુણે જવું પડશે મોંઘુ, 1 એપ્રિલથી લાગુ થશે નવા ટોલ દરો.. જાણો નવા ટોલ રેટ
નોંધનીય છે કે, આ વખતે રાજ્યમાં પ્રથમવાર માર્ચ મહિનામાં માવઠું થતાં પાકોને ઘણુ નુકસાન થયું છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. ખેડૂતો માટે આભમાંથી આફત વરસતા જગતના તાતની કમાણી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. માવઠાથી ઘઉં, ચણા, ધાણા, તલ, એરંડા, સૂર્યમુખી સહિતના ઉભા પાકો પર પાણી ફરી ગયું છે. હવે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી અને સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.