News Continuous Bureau | Mumbai
ગૃહમંત્રી અમિત શાહના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આ વિમાન અગરતલા જઈ રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે પ્લેનને ડાયવર્ટ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિમાન ખરાબ વિઝિબિલિટીના કારણે બુધવારે રાત્રે અગરતલાના મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર ઉતરી શક્યું ન હતું. ATC પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિમાનને ગુવાહાટી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. તેમનું પ્લેન ગુવાહાટીમાં લેન્ડ થઈ ગયું છે અને ત્યાં રાત વિતાવશે. અમિત શાહ બુધવારે રાત્રે અગરતલા પહોંચવાના હતા અને બીજા દિવસે પૂર્વોત્તર રાજ્યમાં બે રથયાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરવાના હતા.
ભાજપના નેતાઓએ આપી આ જાણકારી
બીજેપી નેતાઓએ કહ્યું હતું કે શાહ રાજ્યની રાજધાની અગરતલાથી લગભગ 190 કિમી દૂર ઉત્તર ત્રિપુરામાં ધર્મનગરની પ્રથમ મુલાકાત લે તેવી સંભાવના છે, જ્યાં તેઓ પ્રથમ રથયાત્રાને લીલી ઝંડી આપશે. બાદમાં, તેઓ બીજી રથયાત્રાને લીલી ઝંડી આપવા માટે બાંગ્લાદેશ સરહદ નજીક દક્ષિણ ત્રિપુરામાં સબરૂમની મુલાકાત લેશે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી ત્રિપુરાથી રવાના થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : ગોવાના મોપા એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક એરલાઇન સેવાઓ શરૂ, આ એરલાઈન્સની પ્રથમ ફ્લાઈટ નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે.
ફેબ્રુઆરીમાં ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી
મુખ્યમંત્રી માણિક સાહા અને માહિતી અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુશાંત ચૌધરી સોમવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પાર્ટીની મેગા રેલીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ધર્મનગર અને સબરૂમની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે બે રથયાત્રાના ભાગરૂપે અનેક જાહેર સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 12 જાન્યુઆરીએ કાર્યક્રમના સમાપન દિવસે હાજર રહે તેવી શક્યતા છે.