News Continuous Bureau | Mumbai
ઉનાળો શરૂ થઈ ગયો છે, ત્યારે કેરીના શોખીનો માટે સારા સમાચાર આવ્યા છે. ઉનાળાની ગરમીની સાથે સાથે સ્વાદના શોખીનો કેરીની રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે હવે માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે. જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે.
જોકે બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદની અસરને કારણે મીઠી કેસર કેરીની આવક સામાન્ય સમય કરતા મોડી શરૂ થઇ છે. પરંતુ હવે ધીમે ધીમે કેરીની આવકમાં વધારો થવા લાગ્યો છે. જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્સની આવક થઇ રહી છે. જેના કારણે હવે સામાન્ય લોકો સુધી પણ કેસર કેરી પહોંચી શકશે.
આ સમાચાર પણ વાંચો: કંપનીએ ગુગલના ટ્રેડમાર્કનો કર્યો દુરુપયોગ, હવે વળતર તરીકે ચૂકવવા પડશે અધધ આટલા લાખ રૂપિયા ..
આમ તો કેરીની મહારાણી ગણાતી કેસર કેરીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કેરીને વાતાવરણનું ગ્રહણ લાગતું આવ્યું છે અને દર વર્ષે કેરીનો પાક થોડે ઘણે અંશે બગડે છે અથવા મોડો આવે છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે કેરીના પાક પર અસર થઇ હતી. જુનાગઢ પંથકની કેસરની ખૂબ માંગ હોય છે અને કેરીનું હબ પણ ગણાય છે. પણ ચાલુ વર્ષે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.
હાલ આ સમયમાં 25થી 30 હજાર બોક્સની આવક હોય છે તેની સામે 4થી 5 હજાર બોક્સની આવક થઇ છે. સીઝન લાંબી ચાલશે. હાલ 10 કિલોના 500થી 1100 રૂપિયા છે. જે આવનારા થોડા દિવસોમાં 400થી 800 રૂપિયા પણ થઇ શકે છે.