News Continuous Bureau | Mumbai
ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીનું વાવાઝોડું ફરી વળ્યું હોય તેમ ૧૮રમાંથી ૧પ૦થી વધુ સીટો પર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે અને તેની જીત નિશ્ચિત મનાઇ રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાં ભાજપને પરાજયનું મુખ જોવું પડ્યું છે. કુતિયાણામાં કાંધલ જાડેજા ફરી એક વાર કીંગ સાબીત થયા છે. તેમણે તેમના નજીકના ઉમેદવાર ભાજપના ઢેલીબેન ઓડેદરાને ૨૬૭૧૨ મતોની સરસાઇથી પરાજય આપી આ બેઠક પર જીતની હેટ્રીક નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧ર અને ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજા એન.સી.પી.ના નેજા હેઠળ કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયા હતા. બેઠક પર સતત ત્રણ જીત સાથે કાંધલ જાડેજા, કરશન દુલા ઓડેદરા બાદ આ બેઠક પર જીતની હેટ્રીક સર્જનાર બીજા ઉમેદવાર બન્યા છે.
કુતિયાણા વિધાનસભાની બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહી છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં પણ આ બેઠક પર ઉમેદવારની પસંદગી મામલે રાજકીય પક્ષોમાં ભારે ગડમથલ અને ઉતાર ચડાવ જોવા મળ્યા હતા. કુતિયાણા બેઠક પર છેલ્લી બે ચૂંટણીમાં વિજેતા થયેલા બાહુબલી નેતા કાંધલ જાડેજાને આ વખતે એન.સી.પી.એ મેન્ડેટ ન આપતા તેમણે સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી જંગમા ઝુકાવ્યું હતું. બીજી તરફ ભાજપમાં રમેશ પટેલનું નામ ખૂબ ચર્ચાયા બાદ છેલ્લી ઘડીએ ભાજપના મોવડી મંડળે ઢેલીબેન ઓડેદરાનું નામ જાહેર કર્યું હતું. તો કોંગ્રેસ તરફથી નાથાભાઇ ઓડેદરા અને `આપ’ તરફથી રબારી આગેવાન ભીમા દાના મકવાણા મેદાનમાં હતા. જો કે કાંધલે ફરી એકવાર પોતે કીંગ છે તેમ સાબીત કરી ર૦ હજાર જેટલા મતોની સરસાઇથી વિજય મેળવી આ બેઠક પર જીતની હેટ્રીક સર્જી છે. ગુજરાતમાં ભાજપના તોફાન વચ્ચે કાંધલની આ જીત મહત્વપુર્ણ કહી શકાય.
આ સમાચાર પણ વાંચો:આ આંદોલનકારીઓનું ભવિષ્ય ઉજળું થયું,આ પાર્ટીમાં ફાયદો અંહી ગયા તો મળી હાર,જાણો સંપૂર્ણ માહિતી
આજે સવારે પોરબંદર સરકારી પોલીટેકનીક ખાતે પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠકની મતગણતરીનો પ્રારંભ થયો હતો. પોરબંદર બેઠક પર અર્જુનભાઇ મોઢવાડિયા અને બાબુભાઇ બોખીરિયા વચ્ચે થોડી રસાકસી જેવી સ્થિતી જોવા મળી હતી. પરંતુ કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાનો ઘોડો પહેલા રાઉન્ડથી જ સતત વીનમાં રહ્યો હતો અને છેલ્લે તેમણે જંગી જીત હાંસલ કરી હતી. કુતિયાણા બેઠક પર ગ્રામ્ય વિસ્તારમાં કાંધલ જાડેજાને મોટા પ્રમાણમાં મતદાન થયાનું જાણવા મળે છે. જ્યારે કુતિયાણા તથા રાણાવાવ શહેરી વિસ્તારમાં ઢેલીબેન ઓડેદરાને તેમજ ઘેડ પંથકમાં આપના ઉમેદવાર ભીમાભાઇ મકવાણાને મતો મળ્યા હોવાનું ચર્ચાય છે.