News Continuous Bureau | Mumbai
માણસના જીવનમાં સંકટ ક્યારે સરનામું લઈને નથી આવતા જ્યારે આવે છે ત્યારે માનવીના મનોબળ અને તેના શારીરિક શ્રમની પરીક્ષા કરે છે આવા સમયે જેનું મન અને હિંમત મક્કમ હોય તે જ આપત્તિને અવસરમાં પલટાવી શકે છે ત્યારે આજે વાત કરવી છે મોરબી પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી ભૂમિકાબેન ભૂતની જેમણે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરીને માઉન્ટ એવરેસ્ટ પર્વતની 8 હજાર મીટરની ઊંચાઈને સર કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભુતે વિવિધ સ્પોર્ટ્સમાં કાઠું કાઢ્યું છે. તેઓએ વર્ષ 2018થી અત્યાર સુધીમાં ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જેવી વિવિધ એથ્લેટીક્સની ઇવેન્ટમાં ભાગ લઈને ઉત્તમ પ્રદર્શન કરી 25 મેડલ હાંસલ કરીને મોરબી જિલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યુ છે. જે બાદ તાજેતરમાં એપ્રિલ માસમાં તેઓ માઉન્ટ એવરેસ્ટ પર્વતના 8 હજાર મીટર સુધીની ઉંચાઈ સુધી પહોંચી ગયા હતા.
અલબત્ત, આ 8 હજાર મીટરની ઊંચાઈએ તેઓ કઈ રીતે પહોંચ્યા તે સમગ્ર ઘટનાક્રમ અત્યંત રસપ્રદ છે ત્યાં જો ભૂમિકાબેને હિંમત ન રાખી હોત તો તેમનો જીવ પણ જઈ શક્યો હોત આ અંગે વિગતે વાત કરતા ભૂમિકાબેન એ જણાવ્યું હતું કે, જ્યારે આ પ્રકારનું કોઈ ટ્રેકિંગ કરવાનું હોય ત્યારે 15 કિલો જેટલો સામાન સાથે રાખીને ચાલવાનું હોય આ ઉપરાંત પર્વતારોહણ ની ટ્રેનિંગ લેવી આવશ્યક છે જો પર્વતારોહક પાસે ટ્રેકિંગની ટ્રેનિંગ ન હોય તો પર્વત ચડવો આકરો સાબિત થઈ શકે છે તેવું તેમણે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: સુરત બાદ અમરેલીમાં શ્વાનના હુમલાથી બાળકનું નિપજ્યું મોત, 3 વર્ષના બાળક પર કર્યો હતો હુમલો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે બેઝ કેમ્પમાં તમામ પ્રકારના ભોજન ની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ જ્યારે તેમણે ટ્રેકિંગ શરૂ કર્યું ત્યારથી જ હવામાન પોતાના તેવર દેખાડી રહ્યું હતું અને થોડીવારમાં ઠંડીએ હદે વધી ગઈ હતી કે પર્વતારોહકોના લોહી થીજી લાગ્યા હતા. આ સમયે પોષક તત્વો યુક્ત ભોજન ગ્રહણ કરવું કઠિન છે અને પવનની ગતિ સાથે આવતા ઠંડા બરફ વચ્ચે ચોકલેટ જેવા ખોરાકથી જ પર્વતારોહોકે પેટ ભરીને ટ્રેકિંગ કરવું પડે
ભૂમિકાબેન માઉન્ટ એવરેસ્ટ પર ટ્રેકિંગ કરી રહ્યા હતા. એ સમયે હવામાન અતિ ખરાબ થઇ ગયું હતું તેમજ તેમના ગ્રુપમાં રહેલ ચાર વ્યક્તિના મોત પણ થઇ ચુક્યા હતા જેથી ગાઈડ શેરપાએ પાછા વળી જવાની સલાહ આપી હતી જેને પગલે ભૂમિકાબેન 8 હજારની ઊંચાઈ જ સર કરી શક્યા હતા. જો કે તેમણે આ વિકટ સ્થિતિમાં જે કીર્તિમાન સર્જ્યો છે તે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. આ ઊંચાઈ સુધી પહોંચવું આ ખુદ એક સિદ્ધિ કહેવાય અને તેમની આ સિદ્ધિથી મોરબી જીલ્લાનું અને પોલીસ પરિવારનું ગૌરવ વધ્યું છે.
નોંધનીય છે કે પોલસકર્મી ભૂમિકાબેન ભૂતે ગત વર્ષે 24 કલાક સુધી સતત ચડાઈ કરીને સમુદ્ર તળથી 15800 ફુટની ઊંચાઈ પર આવેલ મનાલી પિક, લદાખી પિક અને પછી સેતીધાર પિક અને અંતે હિમાલય પર ટ્રેકિંગ કર્યું હતું. પોતાના હિમાલયમાં ટ્રેકિંગ સમયના સારા-નરસા અનુભવો પર તેમણે ‘હૈયું હામ અને હિમાલય’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે. જેનું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને હાલ મોરબી જિલ્લામાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: આજ થી રાજકોટમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર: હજારો – લાખો ભાવિકો ઉમટશે