ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર.
બસ, ટ્રેન અને મેટ્રોમાં મુસાફરી કરતા મુંબઈગરાઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. મુંબઈવાસીઓ એક જ કાર્ડ પર બેસ્ટ, રેલવે અને મેટ્રોમાં મુસાફરી કરી શકશે. BEST ઉપક્રમ મુસાફરી માટે 'નેશનલ કોમન મોબિલિટી કાર્ડ' સુવિધા શરૂ કરશે. જેથી મુસાફરો એક જ કાર્ડનો ઉપયોગ કરીને લોકલ ટ્રેન, બેસ્ટ બસ અને મેટ્રોમાં મુસાફરી કરી શકશે. આ સુવિધા આ મહિનાના અંત સુધી બેસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, દરરોજ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી અનેક લોકો પોતપોતાના કામકાજ અર્થે મુંબઈ આવે છે. આ પ્રવાસ દરમિયાન તેમને ટિકિટ માટે લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે. જેના કારણે તેમનો ઘણો સમય વેડફાતો હોય છે. આ કારણોસર બેસ્ટે આ સુવિધા આપવાનો પ્લાન તૈયાર કર્યો છે. વર્ષ 2020 માં આવી સિંગલ કાર્ડ સિસ્ટમ સુવિધા લાગુ કરવા માટે બેસ્ટ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ જ યોજનાને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ગ્રાહકોને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ જણાવ્યું કે આ કાર્ડ માટે બેંક સાથે કરાર કરવામાં આવશે. આ સિંગલ કાર્ડના ઘણા ફાયદા થશે. હવે મુંબઈકરોને ખિસ્સામાં વધુ રોકડ રાખવાની જરૂર નહીં પડે. કાર્ડનો ઉપયોગ કરીને ટિકિટના પૈસા કાર્ડથી ચૂકવી શકાશે. જોકે આ માટે કાર્ડમાં પહેલાથી જ બેલેન્સ રાખવું પડશે. આ કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડ તરીકે કરી શકાય છે. આ કાર્ડ દ્વારા વીજળી બિલ સહિત અન્ય બીલો ચૂકવી શકાશે.