News Continuous Bureau | Mumbai
પોરબંદરની નિરમા કંપની અને તેની કોલોનીમાં ૧૦-૧૫ વર્ષથી ફરજ બજાવતા ૬૫ થી વધુ સિક્યુરિટી ગાર્ડને કોન્ટ્રાકટ બદલાયો તેમ જણાવીને છુટા કરી દેવાયા છે ત્યારે આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલીમાં ફસાઈ ગયેલા કર્મચારીઓની મદદે કોંગ્રેસ આવી છે અને કંપનીને તે અંગેની રજૂઆત કરી છે.
પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેભાઈ મોઢવાડિયાએ કંપનીના મેનેજમેન્ટને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, આપની કંપનીમાં જુદી જુદી સિક્યુરિટી એજન્સીના સિક્યુરીટી ગાર્ડ ઘણા વર્ષોથી ફરજ બજાવતા હતા જેમાં કોલોની ખાતે ફરજ બજાવતા ૨૦ થી વધુ સિક્યુરીટી ગાર્ડને ચારેક મહિના પહેલા કોઈ પણ વ્યાજબી કારણ દર્શાવ્યા વગર છૂટા કરી દીધા બાદ પહેલી જુનથી કંપનીમાં ફરજ બજાવતા ૪૫ જેટલા સિક્યુરીટી ગાર્ડને છુટા કરી દેવામાં આવ્યા છે અને એવી માહિતી પ્રાપ્ત થઇ છે કે જે એજન્સીને સિક્યુરીટી નો કોન્ટ્રાક્ટ અપાયો હતો તે પૂર્ણ થતા કર્મચારીઓને છુટા કરી દેવાયા છે. મહત્વની બાબત એ છે કે આ કર્મચારીઓ પૈકી મોટાભાગના ગાર્ડ ૧૦-૧૨ કે ૧૫-૧૫ વર્ષથી ફરજ બજાવતા હતા,અને દોઢ દાયકાથી નિષ્ઠાપૂર્વક કામ કરતા આ કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને એવું કહીને છુટા કરી દેવાયા છે કે કોન્ટ્રાકટ બદલાઈ ગયો છે અને અન્ય એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે તેથી આ જવાબદારી એજન્સીની છે.
આ સમાચાર પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિવસ: ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 1548.50 હેકટર જમીનમાં કરાયું વૃક્ષારોપણ
પ્રારંભિક તબ્બકે સિક્યુરીટી ગાર્ડ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે નવો કોન્ટ્રાકટ સોપાયો છે તે એજન્સી દ્વારા એવું જણાવાયું હતું કે વર્ષોથી ફરજ બજાવે છે તેવા આ કર્મચારીઓને તેમની એજન્સીમાં સમાવીને યથાવત રીતે જ તેમની નોકરી ચાલુ છે તેમાં રાખી લેવાશે પરંતુ 31 મી મે ના રોજ તેઓને એવું કહી દેવામાં આવ્યું છે કે કંપનીના ઉપરથી થયેલા આદેશ પ્રમાણે આ જુના સિક્યુરિટી ગાર્ડને નોકરી ઉપર લેવાના થતા નથી. પરંતુ બહારથી એજન્સી દ્વારા જે ગાર્ડની નિમણુક કરવામાં આવે તેઓને જ ફરજ પર લેવાના છે. તેવું જણાવી દેવાતા અને 1 જુનથી તેઓને કંપની ખાતે ધક્કો નહી ખાવાનું જણાવી દેવાતા દોઢ દાયકાથી ફરજ બજાવતા કર્મચારીઓ અને તેના પરિવારજનો આર્થિક રીતે પણ ખુબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે નવું શૈક્ષણિક સત્ર શરુ થવા જઈ રહ્યું છે, તેથી તેમના બાળકોના શિક્ષણ પાછળ ખૂબ મોટો ખર્ચ થશે ત્યારે કંપની દ્વારા અચાનક જ આ કર્મચારીઓને રજા આપી દેવાઈ, તે બાબત એકદમ ગેરવ્યાજબી છે તેમ જણાવીને કર્મચારીઓના હિતમાં તાત્કાલિક કામ પર લેવા અને તેમની રોજગારી છીનવાઈ નહી તે રીતે વ્યવસ્થા ગોઠવી દેવા કંપની દ્વારા તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી સાથેની રજૂઆત રામદેભાઈ મોઢવાડિયા દ્વારા થઇ છે.